Western Times News

Gujarati News

આખરે ચીન સામે ટ્રમ્પ ઝુક્યાઃ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ, ટેરિફમાં ૧૧૫%નો ઘટાડો

AI Image

વોશિંગ્ટન, અમેરિકા અને ચીને તાજેતરમાં એકબીજા પર લાદવામાં આવેલા ભારે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે બે દિવસની ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો પછી, (સોમવારે) જીનીવામાં એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે,

જે મુજબ, અમેરિકા અને ચીન ૯૦ દિવસ માટે એકબીજાના ઉત્પાદનો પર ટેરિફ અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા છે. જેથી વેપાર તણાવ ઓછો થઈ શકે અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને તેમના મતભેદો ઉકેલવા માટે ત્રણ મહિનાનો સમય મળી શકે.

સોમવારે જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકાએ મોટાભાગની ચીની આયાત પર ટેરિફ અસ્થાયી રૂપે ૧૪૫%થી ૧૧૫% ઘટાડીને ફક્ત ૩૦% કર્યો છે. આમાં ફેન્ટાનાઇલ સંબંધિત દરનો સમાવેશ થાય છે. ચીને અમેરિકન સામાન પર ૧૨૫% ટેરિફ ૧૧૫% ઘટાડીને ૧૦% કરવા પણ સંમતિ આપી છે. જોકે, આ સોદામાં ખાસ વાત એ છે કે તે ફક્ત ૯૦ દિવસ માટે છે.

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચાઈનાના માલ પરના ટેરિફ દરને ૧૪૫ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવા માની ગયું છે, જ્યારે ચાઈનાએ યુએસ માલ પરના તેના દરને ૧૦ ટકા કરવા સંમત થયું છે. ગ્રીર અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જીનીવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી.

બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના ટ્રેડ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. બે દિવસની વાતચીત પછી એક પત્રકાર પરિષદમાં બોલતા, બેસન્ટે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ સ્તરને કારણે બંને બાજુથી માલનો સંપૂર્ણ નાકાબંધી થશે અને આ એક એવું પરિણામ હતું, જે બંને પક્ષ ઇચ્છતા ન હતા. બેસન્ટે કહ્યું કે આ સપ્તાહના અંતે બંને પ્રતિનિધિમંડળોની સર્વસંમતિ એ છે કે કોઈ પણ પક્ષ અલગ થવા માંગતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.