ટ્રમ્પની ચીનને ધમકીઃ ૨૪ કલાકમાં નિર્ણય લો, નહીંતર ૫૦ ટકા ટેરિફ નાંખીશ

AI Image
(એજન્સી)વાશિગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો ચીન તેમના પરનો ૩૪ ટકા ટેરિફ ૮ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં પડતો નહીં મૂકે તો તેઓ તેના પર બીજો ૫૦ ટકા ટેરિફ લાદશે, એમ ટ્રમ્પે ટ્›થ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.
ચીને ગઇકાલ અમેરિકા પર ૩૪ ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ લાદેલા ૩૪ ટકા ટેરિફના જવાબમાં ચીને આ ટેરિફ લાદ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે જો ચીન અમેરિકા પરનો ૩૪ ટકા ટેરિફ નહીં પરત ખેંચે તો તેઓ ચીન પર બીજો ૫૦ ટકા ટેરિફ લગાવશે. તેનો અમલ પણ નવમી એપ્રિલથી થશે. ટ્રમ્પે તેની સાથે ચીન સાથે બદા જ પ્રકારની મંત્રણા પડતી મૂકવાની ધમકી પણ આપી હતી.
તેના પછી ટેરિફથી લઈ કોઈ મુદ્દે અમેરિકા સાથે વાતચીત શક્ય નહીં બને. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા છતાં અમેરિકામાં કોઈ મોંઘવારી નથી. તેમણે તેમના વર્તમાન નિર્ણય માટે અગાઉના અમેરિકન પ્રમુખોને દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે અગાઉના પ્રમુખોની નીતિઓના લીધે ચીન જેવા દેશને અમેરિકાનો ફાયદો ઉઠાવવાની તક મળી.
વિશ્વભરમાં આવેલી મંદી અંગે જણાવ્યું હતું કે તેલનો ભાવ ઘટયો છે, વ્યાજદરો ઘટયા છે.આની સાથે તેમણે ફેડ રિઝર્વએ હવે વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થાેની કિંમત ઘટી ગઈ છે. ફુગાવો તો છે જ નહીં. લાંબા સમયથી આર્થિક દુર્વ્યવહારનો શિકાર અમેરિકા પહેલેથી લાગુ કરવામાં આવેલા ટેરિફનો દૂરુપયોગ કરવાવાળા દેશો પાસેથી દર સપ્તાહે અબજો ડોલર ઉસેટી રહ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને વળતી કાર્યવાહી ન કરવાની ચેતવણીની અવગણના કરતા ટેરિફમાં ૩૪ ટકા વધારો કર્યાે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પહેલાથી જ લાગુ કરવામાં આવેલા ટેરિફના લીધે દરરોજે અબજો ડોલરની આવક થઈ રહી છે. ટેરિફના મોરચે સૌથી વધારે દુર્વ્યવહાર કરનારા દેશ ચીને મારી ચેતવણી અવગણી છે. ચીને દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. આ માટે અમારા અગાઉના નેતાઓની નબળી નીતિઓ જવાબદાર છે, જેમણે આ થવા દીધું.