ચીનના રાષ્ટ્રપતિએ નવા વર્ષે મેસેજમાં તાઈવાન માટે આપ્યું મોટું નિવેદન
ચીન અને તાઈવાન એક દેશ, કોઈ તાકાત નહીં રોકી શકેઃ જિનપિંગની ધમકી
ચીન, વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીમાં તમામ લોકો એ પ્રાર્થના કરી રહ્યાં છે કે ચારેબાજુ શાંતિ રહે તેનાથી અલગ ચીન વર્ષ ૨૦૨૪ની જેમ ૨૦૨૫ માં પણ ધમકી આપવાથી રોકાઈ રહ્યું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષે આપેલા પોતાના મેસેજમાં તાઈવાનને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું ‘તાઈવાન જળસંધિઓના બંને કિનારા પર રહેતાં અમે ચીની એક જ પરિવારના છીએ.
કોઈ પણ અમારી વચ્ચેના સંબંધના બંધનને ક્યારેય પણ ખતમ કરી શકશે નહીં.’ચીન તાઈવાનને પોતાની મુખ્ય જમીનનું અભિન્ન અંગ માને છે અને ‘એક ચીન’ નીતિને આગળ વધારતાં તેને પોતાની રાજદ્વારી પ્રાથમિકતાઓમાં સામેલ કરે છે. શી જિનપિંગે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન તાઈવાનને ચીનની સાથે બીજી વખત સામેલ કરવાને પ્રાથમિકતા આપી છે.
તેને તે પોતાની મુખ્ય સૈન્ય અને રાજદ્વારી રણનીતિનો ભાગ માને છે. પોતાના સંબોધનમાં શી એ કહ્યું કે ‘ચીન વૈશ્વિક શાસન સુધારાને સક્રિય રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે અને વિશ્વ શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ‘ગ્લોબલ સાઉથ’ ના દેશોની સાથે સહયોગ અને એકતાને મજબૂત કરવાની વાત કહી. પરિવર્તન અને અશાંતિથી ભરેલી દુનિયામાં ચીન એક જવાબદાર દેશ તરીકે વૈશ્વિક મુદ્દાનું સમાધાન શોધવામાં યોગદાન આપી રહ્યું છે.’
નવા વર્ષના મેસેજમાં પણ એક અન્ય મુખ્ય હેતુ જનતાને અર્થવ્યવસ્થાને લઈને વિશ્વાસ અપાવવાનો હતો. કોવિડ-૧૯ મહામારી બાદ ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળ્યો, જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ધરાશાયી થવું અને વ્યાપક બેરોજગારી મુખ્ય કારણ રહ્યાં. શી એ કહ્યું કે ‘૨૦૨૪માં ચીનનું કુલ સ્થાનિક ઉત્પાદન ૧૩૦ ટ્રિલિયન યુઆન (લગભગ ૧૮.૦૮ ટ્રિલિયન અમેરિકન ડોલર) સુધી પહોંચવાની આશા છે.
સાથે જ અનાજ ઉત્પાદન ૭૦ કરોડ ટનથી વધુ થઈ ચૂક્યું છે. તેમણે ઈલેક્ટિÙક વાહનોની નિકાસ વધારવાની પણ વાત કહી, જોકે અમેરિકા અને યુરોપીય સંઘ દ્વારા લગાવવામાં આવેલો આયાત શુલ્ક આમાં અવરોધ બની રહ્યો છે.’
રાષ્ટ્રપતિ શી ની સામે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી સૌથી મોટો પડકાર બનીને ઉભરી છે. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં ચીન પર ૩૮૦ અબજ અમેરિકન ડોલરથી વધુનો આયાત શુલ્ક લગાવ્યો હતો અને ચીન પર અમેરિકાને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના તાજેતરની ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પે ચીની આયાત પર ૬૦ ટકા સુધી શુલ્ક લગાવવાની ધમકી આપી હતી. તેમણે ચીનની તકનીકી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા અને કોવિડ-૧૯ મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવ્યા જેવા મુદ્દાને પણ જોર-શોરથી ઉઠાવ્યા.