ચાઈનીઝ દોરીથી ગળું કપાતા ૭ વર્ષના બાળકનું મોત
(એજન્સી)રાજકોટ, ઉત્તરાયણના દિવસે ઈમર્જન્સી કેસોમાં વધારો થયો છે. ચાઈનીઝ દોરીના વેચાણ પણ પોલીસે તવાઈ બોલાવ્યા પછી પણ તેનો ઉપયોગ બંધ થયો નથી. લોકોમાં હજીયે ચાઈનીઝ દોરી પ્રત્યે જાગૃતિ આવી નથી. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના સમી સાંજે રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાળકનું મોત થયું છે.
૭ વર્ષના બાળકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત થતાં પરિવારમાં આક્રંદનો માહોલ છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ૭ વર્ષના બાળકનું મોત થયું છે. ઋષભ વર્મા નામના બાળકનું મોત થતા પરિવારમાં તહેવારનો માહોલ આક્રંદમાં છવાયો છે.
બાળકને દોરી વાગતા તેણે ઇજાગ્રસ્ત હાલતમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જાેકે ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક લોઠડા ગામનો રહેવાસી છે અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થતા સમયે આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક પછી એક ચાઈનીઝ દોરીથી લોકો ભોગ બની રહ્યા છે. રાજકોટમાં આ કેસ પહેલા એક તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં ૨૯ ટાંકા આવ્યાં હતા. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.