Western Times News

Gujarati News

રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો-મહિલાઓને CID ક્રાઇમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા “સ્પેશિયલ-૫૬” ટીમ બનાવાઈ હતી-પરિવારથી વિખૂટા પડી ગયેલા પાંચ વર્ષના મુક બાળકને પોતાના ઘર સુધી પહોંચાડી પરિવારના ચહેરા પર પુનઃ સ્મિત રેલાવ્યું

૩૦ બાળકો, ૧૫ મહિલાઓ અને ૭ વડીલો સહિત ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવવા બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની “સ્પેશ્યલ -૫૬” ટીમને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત ૭૨ દર્શનાર્થીઓ રથયાત્રાની ભારે ભીડમાં ગુમ થઈ ગયા હતાં. રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે બનાવાયેલી “સ્પેશિયલ-૫૬” ટીમ દ્વારા

આ વિખૂટા પડી ગયેલા ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી આ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવવાનું પ્રસંશનીય કામ કર્યું છે. તે બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની “સ્પેશ્યલ -૫૬” ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે સી.આઇ.ડી ક્રાઇમના “મહિલા અને બાળ મિત્ર” (FFWC – Friends for women & child)ના અમદાવાદ શહેરના સક્રિય ૫૬ સભ્યોની ફાળવણી કરી “સ્પેશ્યલ -૫૬” ટીમ બનાવાઈ હતી.

રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૧૨ બાળકો, ૯ મહિલાઓ, ૭ વડીલો તેમજ ૧૨ પુરુષો ગુમ થઈ ગયા હતા. તે ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી ૧૮ બાળકો, ૬ મહિલાઓ અને ૮ પુરુષો ગુમ થયા હતાં.

આ તમામ ૭૨ ગુમ થયેલા નાગરિકોમાં ૩૦ બાળકો, ૧૫ મહિલાઓ અને ૭ વડીલો હતા. ઉપરાંત પાંચ વર્ષના એક મૂક બાળકનો પણ તેમાં સમાવેશ થતો હતો. પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ ૭૨ લોકોને “સ્પેશ્યલ -૫૬” ટીમે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. આ સરહાનીય કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને અભિનંદન આપી કામગીરીને બિરદાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.