ભારતીય ઉધોગપતિઓને જમીન, માનવ સંસાધન સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે અમે પ્રતિબદ્ધ: સુરીનામના રાષ્ટ્રપતિ
ભારતીય ઉધોગપતિઓને આવકારવા બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઓ સાથે સુરીનામ સજ્જઃ સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી
સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીની CII દ્વારા આયોજિત બિઝનેસ સેશનમાં ઉપસ્થિતિ-કેન્દ્રીય રેલ અને ટેકસ્ટાઇલ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી આજે અમદાવાદ ખાતે CII (Confederation of Indian Industry) દ્વારા આયોજિત બિઝનેસ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ જણાવ્યું હતું કે, ભારત અને સુરીનામના સંબંધો વર્ષો જૂના છે. સુરીનામ ‘વિવિધતામાં એકતા’ ધરાવતો દેશ છે. દુનિયાના કાર્બન નેગેટિવ દેશોમાં સુરીનામ બીજા નંબરે છે. સુરીનામ આચ્છાદિત જંગલો, કુદરતી સંપદા સહિત સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
સુરીનામમાં ઉપલબ્ધ વેપારની વિશાળ તકો અંગે જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશી વેપાર દ્વારા વિદેશી રોકાણને તેમના દેશમાં આકર્ષવા તેઓ બધી જ રીતે તૈયાર છે. જમીન, માનવ સંસાધન, ટેકનિકલ જરૂરિયાતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ પ્રકારની જરૂરિયાતો વિદેશી કંપનીઓને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે તેમની સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતા સુરીનામના રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું કે, સુરીનામમાં ઓઇલ, ગેસ, એનર્જી, બોકસાઈટ અને ગોલ્ડ ક્ષેત્રે ઉપલબ્ધ સંસાધનો અને તકો વિવિધ વિદેશી રોકાણકારોને એક મોટું માર્કેટ ઉપલબ્ધ કરવી શકે છે.
કૃષિ અને કૃષિ પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, માઈનિંગ, કેમિકલ, એન્જિન ઓઇલ અને એન્જિન પાર્ટ્સ મેકિંગ, ફાર્મા, ટુરિઝમ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ સહિતના ક્ષેત્રે ભારતીય રોકાણકારો અને ઉધોગપતિઓને આવકારવા પોતાની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઓ સાથે સુરીનામ સજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે દેશના ઉદ્યોગ સાહસિકો, ઉધોગપતિઓ અને વેપાર સંગઠનોને વિવિધ ક્ષેત્રે MOU માટે તેમણે આવકાર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ અને ટેકસટાઇલ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ભારત અને સુરીનામ બંનેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો 150 વર્ષોથી પણ જૂના છે. ફાર્મા,આઈટી,ડિફેન્સ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર સંબંધો સ્થાપાયેલા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડીયા’ ઉપક્રમોને આ પ્રકારની બિઝનેસ સમીટ વધુને વધુ સુદ્રઢ બનાવશે તથા ભારત અને સુરીનામ વચ્ચેના વ્યાપાર સંબંધોને વધુ વેગ મળશે એમ તેમણે ઉમેર્યું હતું. ટેકસટાઇલ અને રેલવે ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સરકારની અનેકવિધ યોજનાઓ થકી આજે વિપુલ પ્રમાણમાં દેશમાં રોજગારી ઊભી થઈ છે તથા મજબૂત વિકાસનો પાયો નખાયો છે. ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિચાર સાથે સમગ્ર વિશ્વને એક સાથે લઈને સર્વાંગી વિકાસ માટે આગળ વધવા પ્રતિબદ્ધ છે. આ પ્રકારની દ્વિપક્ષી વ્યાપાર મુલાકાતો બંને દેશોના અર્થતંત્ર અને GDP માટે લાભદાયી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ સેશનમાં સુરીનામના વિદેશમંત્રી આલ્બર્ટ રામદીને જણાવ્યું હતું કે, ભારત અને સુરીનામ વચ્ચેના રાજકીય અને રાજદ્વારી સંબંધો વર્ષો જૂના છે. બન્ને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવા અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સુરીનામની સરકાર પ્રતિબદ્ધ છે. ભારતીય ઉદ્યોગકારો અને વેપારી સંસ્થાઓનો હકારાત્મક અભિગમ, બિઝનેસ પોસિબિલિટીઝ, મજબૂત નેતૃત્વ અને ઉત્કૃષ્ટ બિઝનેસ ઇકોસિસ્ટમને સુરીનામમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ હેઠળ આવકારવા સુરીનામ સજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ બિઝનેસ સેશનમાં CII નેશનલ કમિટી ઓન LAC ના ચેરમેન જય શ્રોફ, FICCI-LAC ના ચેરમેન ડો.અમૃત નાયક સહિત સુરિનામના ડેલીગેટ્સ તથા CII, FICCI અને ASSOCHAMના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.