Western Times News

Gujarati News

નીતા અંબાણીને એનાયત થયો સિટિઝન ઓફ મુંબઈ પુરસ્કાર

મુંબઈ, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને રોટરી ક્લબ ઑફ બોમ્બે દ્વારા પ્રતિષ્ઠિત અવૉર્ડ ‘સિટિઝન ઑફ મુંબઈ ૨૦૨૩-૨૪’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશને ટ્‌વીટ કરીને આ અવૉર્ડ વિશે માહિતી આપી હતી. નીતા અંબાણીને પરિવર્તનશીલ સંસ્થાઓ દ્વારા આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

સન્માન મેળવ્યા બાદ નીતા અંબાણીએ કહ્યું, આપણા શહેર અને સમુદાય માટે રોટરી ક્લબ ઓફ બોમ્બેના અમૂલ્ય યોગદાન માટે હું નમ્રતાપૂર્વક આ અવોર્ડ સ્વીકારું છું. મારા સસરા ધીરુભાઈ અંબાણી ૧૯૬૯માં માનદ રોટેરિયન બન્યા ત્યારથી રોટરી ક્લબ સાથે મારા પરિવારનું જાેડાણ છે, જે દાયકાઓ જૂનો સંબંધ છે.

જે બાદ ૨૦૦૩માં મુકેશ રોટેરિયન બન્યા હતા. રોટેરિયન તરીકે આ મારું ૨૫મું વર્ષ છે. મેં વર્ષોથી તમારી સાથેના આ પ્રવાસને પ્રેમથી યાદોમાં રાખ્યો છે.

વાસ્તવમાં, સિટીઝન ઓફ મુંબઈ અવોર્ડ એ રોટરી ક્લબ ઓફ બોમ્બે દ્વારા આપવામાં આવતું એક પ્રતિષ્ઠિત સન્માન છે, જે દર વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં નીતા અંબાણીએ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે પ્રેક્ષકો અને કલાકારો બંને માટે ભારતીય કલા અને સંસ્કૃતિને શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતમાં તેના પ્રકારનું પ્રથમ સાંસ્કૃતિક કેન્દ્ર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે ૧૬ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. ૮,૭૦૦ સ્વારોવસ્કી સ્ફટિકોથી સુશોભિત એક ભવ્ય કમળ-થીમ આધારિત ઝુમ્મર પણ છે.

આ સિવાય અહીં ૨૦૦૦ બેઠકો ધરાવતું ભવ્ય થિયેટર છે, જેમાં દેશનો સૌથી મોટો ઓર્કેસ્ટ્રા પિટ બનાવવામાં આવ્યો છે. નાના પ્રદર્શનો અને કાર્યક્રમો માટે, ‘સ્ટુડિયો થિયેટર’માં ૨૫૦ બેઠકો હશે, અને ‘ધ ક્યુબ’માં ૧૨૫ બેઠકો હશે. આ બધામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની વેબસાઈટ અનુસાર, તેઓ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા છે અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ન્યૂ યોર્કના બોર્ડના માનદ ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય છે. નીતા અંબાણી મુંબઈમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર દ્વારા તમામ ભારતીયોને નજીવા ખર્ચે વિશ્વ-સ્તરની તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ફાઉન્ડેશન તમામ લોકો માટે એકંદરે સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનશૈલી સુનિશ્ચિત કરવા પરિવર્તનકારી ફેરફારોની સુવિધા આપવા માટે કામ કરી રહ્યું છે. ગયા મહિને, તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશના નાનામાં નાના શહેરો અને દૂરના ગામડાઓમાં રહેતાં ૭૦ લાખ ભારતીયોના જીવનને સ્પર્શ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.