અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલીકોમ નેટવર્કનો ઉપયોગ કરી શકશે
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.
વધુમાં જણાવાયાનુસાર “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો
બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. ૧૭ જૂન ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.