Western Times News

Gujarati News

આકર્ષક રંગબેરંગી રંગોળી સુશોભિત કરી નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરાઈ

અમદાવાદ વન (આલ્ફા) મોલ ખાતે કલાત્મક રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અનોખી રીતે અપાયો

અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર શ્રી સી.એમ. ત્રિવેદીએ રંગોળી નિહાળીને સ્વીપ ટીમને બિરદાવી

લોકશાહીના મહાપર્વ ચૂંટણી અંતર્ગત થોડા દિવસ પછી મતદાન યોજાનાર છે ત્યારે અમદાવાદ જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ના અનોખા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વીપ એક્ટિવિટી અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (ટીઆઈપી) અંતર્ગત શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો પૂરજોશમાં ચાલી રહ્યા છે.

શહેરના અમદાવાદ વન (આલ્ફા) મોલ ખાતે વિક્રમસર્જક મહાકાય રંગોળી કંડારી ‘મતદાન જાગૃતિ’નો આકર્ષક સંદેશો અનોખી રીતે અપાયો હતો. ઊડીને આંખે વળગે તેવી રંગબેરંગી કલાત્મક રંગોળી બનાવી નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરાઇ હતી. અમદાવાદ વન (આલ્ફા) મોલની મુલાકાતે આવેલા નાગરિકો પણ આ રંગોળીથી આકર્ષિત થયા હતા.

અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર શ્રી સી.એમ. ત્રિવેદીએ રંગોળી નિહાળીને સ્વીપ ટીમને બિરદાવી હતી.

આ મહા રંગોળીમાં ભારત તથા ગુજરાતનો નકશો બનાવી તેમાં અચૂક મતદાનના વિવિધ સૂત્રો લખવામાં આવ્યાં  હતાં. ‘દસ મિનિટ દેશ માટે’, ‘અવસર લોકશાહીનો’, ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ જેવા સૂત્રો લખી મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરાયા હતા.

60×12 ફૂટની આ અદભુત રંગોળી તૈયાર કરવામાં આશરે 350 કિલો કલરનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત 12 લોકોની ટીમે સતત 12 કલાક સુધી જહેમત ઉઠાવી આ રંગોળી કંડારી હતી, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં સ્વીપ એક્ટિવવિટી નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ અને તેમની ટીમ દ્વારા ‘મતદાન જાગૃતિ’ અન્વયે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેને નાગરિકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર જિલ્લામાં મહતમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત છે. અમદાવાદ શહેરમાં પણ અનેક આઇકોનિક સ્થળો પર અનોખી રીતે ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.