સ્વીટીની હત્યાના એંગલ પર શહેર ક્રાઈમ બ્રાન્ચનું ફોક્સ
અમદાવાદ: દોઢ મહિનાથી પણ વધુ સમયથી ગુમ સ્વીટી પટેલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના હસ્તક લઈ લીધી છે. તપાસનો દોર હાથમાં લેતા જ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં માત્ર મર્ડરના એંગલ પર જ ફોકસ કરવાનું નક્કી કર્યું છે. વડોદરા ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેક્ટરના પત્ની સ્વીટી પટેલ ૦૫ જૂનથી ગુમ છે. અત્યારસુધી આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ કરી રહી હતી.City crime branch focus on Sweety’s murder angle
જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપાઈ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે સ્વીટી પટેલનું મર્ડર થયું છે. કારણકે પોલીસને તેમના ગાયબ થવાના કે વડોદરાની બહાર નીકળવાના કોઈ પુરાવા નથી મળ્યા. આ સ્થિતિમાં સ્વીટી પટેલની હત્યા કઈ રીતે થઈ અને તેમની લાશનો ક્યાં નિકાલ કરાયો તેમજ તેમાં કોણ-કોણ સામેલ હતું તેના પર સમગ્ર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. સ્વીટી પટેલ પીઆઈ અજય દેસાઈના કાયદેસરના પત્ની નહોતા.
તેઓ લીવ-ઈનમાં રહેતાં હતાં, જેને લઈને બંને વચ્ચે ઝઘડાં થતા હતા. સ્વીટી પોતાને અજય દેસાઈની કાયદેસરની પત્નીનો દરજ્જાે મળે તેવું ઈચ્છતી હતી. સ્વીટીના ભાઈના જણાવ્યા અનુસાર, સાસરીમાં કોઈ બોલાવતું ના હોવાથી પણ તેઓ વ્યથિત રહેતા હતા. સ્વીટી પટેલ ૦૫ જૂનથી ગુમ હતા, પરંતુ તેની ફરિયાદ છેક ૧૧ જૂનના રોજ તેમના પરિવારજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. તેમના પરિવારજનોને સ્વીટીના ગુમ થયાની જાણ પણ તેમના ઓસ્ટ્રેલિયા રહેતા પહેલા પતિ અને દીકરા દ્વારા થઈ હતી. સ્વીટી પટેલ પોતાના ઓસ્ટ્રેલિયા રહેતા દીકરાને રોજ મેસેજ કરતાં હતાં,
પરંતુ અચાનક મેસેજ આવતા બંધ થઈ જતાં તેને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. આ અંગે દીકરાએ પિતાને વાત કરતાં સ્વીટીના અગાઉના પતિએ સ્વીટીના ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ સ્વીટીના ભાઈએ અજય દેસાઈ સાથે વાત કરતાં તેમને ખબર પડી હતી કે સ્વીટી પટેલનો ૦૫ જૂનથી કોઈ અતોપતો નથી. અજય દેસાઈ અને સ્વીટી પટેલ પોતાના અગાઉના લગ્નજીવનનો અંત આવ્યા બાદ ૨૦૧૬થી એકબીજા સાથે રહેતા હતા. તેમને બે વર્ષનો દીકરો પણ છે.
સૂત્રોનું માનીએ તો ૦૪ જૂનના રોજ બંને વચ્ચે કોઈ પારિવારિક બાબતે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેઓ કરજણનું પોતાનું ઘર છોડી જતાં રહ્યાં હતાં. જાેકે, ત્યારથી જ સ્વીટી પટેલ ગુમ છે. આ કેસમાં પીઆઈ અજય દેસાઈ જ મુખ્ય શકમંદ છે, અને અત્યારસુધી તેમના પર પોલિગ્રાફી, સસ્પેક્ટ ડિકેક્શન તેમજ નાર્કો ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સિવાય પોલીસને અત્યારસુધીની તપાસ દરમિયાન દહેજના અટાલી ગામની જે બિલ્ડિંગમાંથી સળગેલાં હાડકાં મળ્યાં હતાં તે સ્વીટીના જ છે કે કેમ તે જાણવા તેનો ડીએનએ ટેસ્ટ કરાવાયો છે, જેનો રિપોર્ટ પણ હજુ પેન્ડિંગ છે.