6 લોકોને નવજીવન મળ્યું સિવિલ હોસ્પિટલમાં પાંચમી નવરાત્રીનાં દીવસે થયેલ બે ગુપ્ત અંગદાનથી
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૬૯ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૩૦ જરૂરીયાતમંદને જીવનદાન
એક લીવર, ચાર કીડની, બે ફેફસા મળી કુલ સાત અંગોનું દાન મળ્યું –અંગદાનમાં મળેલ ફેફસાને ગ્રીન કોરીડોર કરી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યાં
ફેફસાને દિલ્હીની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દી માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે-સિવિલ હોસ્પિટલ માં મુસ્લીમ પરીવારનું ચોથું અંગદાન
અમદાવાદ, નવરાત્રીના પાવન અવસરમાં થયેલા આ બે અંગદાન થકી કુલ સાત અંગો મળ્યા અને સાત જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું. પ્રથમ અંગદાનની વિગતો જોઈએ તો, માર્ગ અકસ્માત માં ઇજા પામેલ મુસ્લિમ યુવાનને માથાની ગંભીર ઇજાના કારણે બ્રેઈન હેમરેજ થયું હતું. જેથી તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.૭.૧૦.૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ યુવાનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રમજાન માસમાં દર્દીઓ તેમજ તેમના સગા માટે ઇફતારી ની સેવા આપતા રીલીફ ફાઉન્ડેશનના ઇમ્તીયાઝભાઈ પઠાણે આ મુસ્લિમ બ્રેઇન ડેડ દર્દી નાં પરીવારજનોને અંગદાન વિશે સમજાવતા પરીવારના સભ્યોએ અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો.
બીજા કિસ્સા માં ખેડા જીલ્લા નાં યુવાન ને મગજ ની નસ ફાટતા બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ માં સારવાર અર્થે લાવતા તારીખ ૦૭.૧૦.૨૦૨૪ નાં રોજ ફરજ ઉપર ના ડોકટરો એ બ્રેઈન ડેડ જાહેર કરી સગાં ને અંગદાન વિશે સમજાવતા પરીવારે ગુપ્ત અંગદાન માટે સંમતિ આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, ગુપ્ત અંગદાન થકી થયેલ આ બે અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૪૮ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૩૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
મુસ્લિમ સમાજ માં થી થયેલ અંગદાન વિશે વાત કરતા ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે મુસ્લિમ સમુદાયમાંથી સિવિલ હોસ્પિટલ ને મળેલ આ ચોથું અંગદાન છે. સમાજ ના દરેક વર્ગ ના લોકો હવે ધર્મ તેમજ જુની માન્યતાઓ માંથી બહાર આવી અંગદાન નુ સાચુ મહત્વ સમજતા થયા છે જેના લીધે સિવિલ હોસ્પિટલ માં તેમજ રાજ્ય માં અંગદાન નુ પ્રમાણ વધ્યુ છે.
બે અંગદાનથી મળેલ ચાર કીડની અને એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં તેમજ ફેફસાને ગ્રીન કોરીડોર કરી બાય એર દિલ્હી ની હોસ્પિટલ માં પહોંચાડી જરૂરીયાતમંદ દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ૬ લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ. ડો. જોશીએ વધું માં જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૦૪ કિડની, લીવર -૧૪૬, ૫૧ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને ૧૧૪ આંખોનું દાન મળ્યું છે