Western Times News

Gujarati News

અંકલેશ્વર કોસમડી ગામે AAP-BJPના કાર્યકરો વચ્ચે ધીંગાણું

આપના કાર્યકરોને ઈજાઓ થતા ભાજપના કાર્યકરો પણ હોસ્પિટલમાં દાખલ થઈ ફરિયાદ નોંધાવી: બંને પક્ષોની સામ સામે ફરિયાદ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે આપના ઉમેદવાર ના પ્રચાર અને તેની સભા બાબતે ભાજપના કેટલાક કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ઘટનાને લઈ બંને પક્ષો વચ્ચે મારામારી થતા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ લઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી છે.

અંકલેશ્વરના કોસમડી ગામના દિલીપભાઈ વસાવા ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને રૂબરૂ પોલીસ સમક્ષ નિવેદન આપી ફરિયાદ નોંધાવી છે જેમાં તેને આક્ષેપ કર્યા છે કે અમારા ગામમાં આપ ના ઉમેદવાર ચૈતર વસાવા આવેલા અને હું તેમને મળવા ગયેલો અને ચૈતર વસાવા સભા કરીને નીકળી ગયા બાદ અમારા ફળિયામાં રહેતા ભરત વસાવાના ઘર પાસેથી મારી કાકી સંગીતાબેન સાથે રાકેશભાઈ સાયકલ ઉપર બેસી વાત કરતા હતા

તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી મારી કાકીને બે ત્રણ તમાચા મારી દીધેલા અને મારી કાકીએ બુમાબુમ કરતા અમો છોડાવવા પડેલ તો ગામના સરપંચ અજીતભાઈ વસાવા તથા તેમના પિતા ચીમનભાઈ તથા ગામના સુખદેવ વસાવા હાથમાં લાકડી,સળિયા અને બેટ લઈને આવેલા અને અમારી ઉપર હુમલો કરતા માથામાં સપાટા મારી દેતા લોહી નીકળ્યું હતું

અને જમણા હાથમાં તથા ડાબા પગના નળામાં જમાના પગના ધૂંટણ ના ભાગે તથા ગળદન અને કમરના ભાગે સપાટા મારેલ અને હાથની પહેલી આગલી ફ્રેક્ચર થઈ ગયેલ અને અનિલભાઈને માથામાં પાંચ ટાંકા (સ્ટીચ) લેવાયા હતા.તેવા આક્ષેપ કરી હુમલાખોર રાકેશ વસાવા,અજીત વસાવા સરપંચ,ચીમનભાઈ વસાવા અને સુખદેવ વસાવા સામે ૩૨૫,૩૨૩,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

તો સામે પક્ષ ભાજપના કાર્યકરોને પણ ઈજા થઈ હોવાનું રજુ કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.જેના કોસમડી ગામના સરપંચ અજીત વસાવાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યા છે કે અમારા ગામના ફળીયા માંથી નીકળી ગયેલા અને ચૈતર વસાવાના ગયા બાદ અમારા ફળિયાના અનિલ વસાવા તથા રાજેશ વસાવા,દિલીપ વસાવા તેમજ રજુ વસાવા અમારા ફળિયામાં આવેલ અને તે વખતે મારા પિતા

તથા મારા સાળા સુખદેવ વસાવાનાઓ હાજર હતા તે વખતે ચારેય ઈસમો ભેગા મળી ગમે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો અને રજુ વસાવા એ લાકડાનો સપાટો હાથના કોણી ના ભાગે મારી દીધેલ અને

મને છોડાવવા સુખદેવ વચ્ચે પડતા દિલીપ વસાવા એ લાકડાનો સપાટો ડાબા હાથના પંજાના ભાગે મારી દેતા ફ્રેક્ચર થઈ ગયેલ અને આમ ચારેય આરોપીઓ ભેગા મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે સામે પક્ષના ચાર લોકો સામે પણ આઈપીસી ૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે લોકસભાની ચૂંટણી ટાણે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે બંને પક્ષો સામે ફરિયાદ દાખલ થતી હોવાના કારણે પણ રાજકીય કાવાદાવામાં ફરિયાદો દાખલ કરાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.