Western Times News

Gujarati News

સરદારનગરમાં ડીમોલેશન માટે ગયેલી મ્યુનિ. ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

સ્થાનીક મહિલા દ્વારા છેડતીના આક્ષેપ : ઝોનના ડે. કમિશનરે આક્ષેપ નકાર્યા 

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ઉતરઝોનમાં સરકારી જમીન પર 40 કરતા વધુ વર્ષોથી થયેલા દબાણ દૂર કરવાની કામગીરી સોમવાર સવારથી શરૂ કરવામાં આવી છે.

આ દરમિયાન સ્થાનિક રહીશો અને કોર્પોરેશન ના કર્મચારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું છે તેમજ સ્થાનિક મહિલા ઘ્વારા છેડતીના આક્ષેપ કરવામાં આવતા પોલીસ મદદ લેવામાં આવી હતી. જયારે ઉતરઝોનના ડે. કમિશનરે આ ઘટના ને રદિયો આપ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક રહીશ અર્જુનભાઈ માલવાત નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે 45 વર્ષથી અહીં રહીએ છીએ અને તે સમયે અહીં કોઈ ડો.કાંતિભાઈના નામની જગ્યા અને  ખેતર હતા.

ત્યારબાદ આ જમીન કેવી રીતે કોર્પોરેશન ની બની ગઈ તે ખબર નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ સ્થળે ડીમોલેશન માટે નિશાન કરવામાં આવ્યા હતા જેમાં સામાન્ય કપાત થતી હતી જેની સામે અમને કોઈ જ વાંધો નહતો પરંતુ હવે, તમામ મકાન તોડવામાં આવી રહયા છે જે સ્વીકાર્ય નથી.આ ઉપરાંત રોડલાઈન નો અમલ વચ્ચેથી કરવામાં આવી રહ્યો છે આસપાસ ની મિલકતો તોડવામાં આવતી નથી તે બાબત પણ શંકાસ્પદ છે.

મ્યુનિસિપલ અધિકારીઓ ઘ્વારા મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું તેથી અમે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા હતા જ્યાં ફરિયાદ લેવામાં ન આવતા સાદી અરજી આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ મામલે ઝોનના ડે. કમિશનર વિશાલ ખનામાં નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અહીં રોડલાઈન નો અમલ કરવામાં આવી રહયો છે. સ્થાનિક રહીશો પણ આ અંગે સમંત હતા તેથી પોલીસ બંદોબસ્ત પણ લીધો નહતો પરંતુ બહારના કેટલાક લોકોએ આવી વિરોધ કરતા ઘર્ષણ થયુ હતું.તેથી ટીમ ત્યાંથી ચાલી ગઈ હતી અને હવે, સરદારનગર પોલીસ સ્ટેશનમાથી બંદોબસ્ત લઈ ડીમોલેશન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.