Western Times News

Gujarati News

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ઘર્ષણ

રાજકોટ, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સતર્કતાને કારણે લૂંટ, હત્યા સહિતની ઘટના બનતા અટકી છે. રાજકોટ શહેરના પૉશ એરિયા સમાન અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-૨માં રાજેશભાઈ પટેલના મકાનમાં ત્રીજી તારીખના રોજ રાત્રિના અઢી વાગ્યા અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી.

ધાડપાડુ ગેંગના સભ્યો આ સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના લોકોને મળી હતી. ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજાે ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા ગેંગના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ગેંગના સભ્યો દ્વારા પોતાની સાથે લાવવામાં આવેલા અણીદાર પથ્થર સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ફાયરિંગના બનાવવામાં ગેંગના બે જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો બાકીના બે જેટલા સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી છે.

પોલીસે ગુનાના કામે આરોપીઓ પાસે રહેલા ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. જ્યારે કે સમગ્ર બનાવમાં પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ફરિયાદી પરિવારે જણાવ્યું છે કે, ભગવાન દ્વારકાધીશ પર અમને ખૂબ મોટો ભરોસો છે. પોલીસ અમારા માટે કાળિયો ઠાકર બનીને આવી હતી. જાે પોલીસ ન આવી હોત તો અમારા ઘરે ન બનવાની ઘટના બની હોત. અમે સમગ્ર મામલે સીપી સાહેબ, ગૃહ મંત્રી સહિતનાઓનો આભાર માનીએ છીએ.

સમગ્ર મામલે હાલ માલવીયા નગર પોલીસ મથકમાં આઇપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં સર્વે પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે.

આરોપીઓ સીસીટીવીમાં ન આવે તે માટે ગુનાખોરીને અંજામ આપતા પૂર્વે કેટલાક સીસીટીવી ઢાંકી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે ચોરી થતી અટકાવવાની સાથે સાથે બે આરોપીની ધરપકડ પણ કરી છે. બે આરોપી હાલ સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે ફરાર થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.