મહેસાણામાં ધોરણ ૬, ૭ અને ૮ના પેપર ફૂટ્યા
(એજન્સી)મહેસાણા, પેપર ફૂટવા મામલે સરકાર સૌથી વધુ લોક રોષનો સામનો કરી રહી છે, છતાં આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. તેવામાં મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ-એક્ઝોટિકા સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં ધોરણ ૬, ૭ અને ૮ના પેપર ફુટ્યા હોવાનું સામે આવતા મામલોે ઉગ્ર બન્યો છે.
બંને શાળાઓમાં અલગ-અલગ તારીખે એક જ સરખા પેપર ફૂટ્યાંનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલકેશ પટેલ નામના વ્યક્તિએ આ પેપર ફોડ્યા હોવાનાં પણ નામ જાેગ ધગધગતા આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. કાવેરી ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કાવેરી સ્કૂલના પેપર થોડા દિવસ બાદ એક્ઝોટિકામાં અપાયા હોવાથી બંનેના પેપર એક જ સરખા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરજદારે દાવો કર્યો છે કે બંને શાળામાં અલગ-અલગ તારીખે એક સરખા જ પેપર લેવાયા છે. હવે આ મામલે સમગ્ર પંથકમાં ખુબ ગાજી રહ્યો છે.
શાળાઓનું પરિણામ ઊંચું લાવવા પેપર એક સરખા કાઢતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે અરજદારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા શિક્ષણ અને કલેક્ટરને અરજી કરીને તપાસની માંગણી કરી છે.