Western Times News

Gujarati News

ધોરણ-૧૨ અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ પોલીસ ભરતીમાં કરી શકશે અરજી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાણકારી આપી

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાતમાં પોલીસ અને એલઆરડીની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યાં છે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી કેટલીક મહત્વની જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે ઓજસ પર પોલીસ ભરતી માટે અરજી થઈ રહી છે. અત્યાર સુધી ૧.૫૫ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. કુલ ૧.૧૮ લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. તેમણે કહ્યું કે ૧૦ લાખ જેટલી અરજીઓ થવાની સંભાવના છે.

પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોલીસ ભરતીમાં અરજી કરી શકશે. એટલે કે રાજયમાં ધોરણ ૧૨ અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીમાં આ વિદ્યાર્થીઓને પણ તક મળશે. હસમુખ પટેલે કહ્યું કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે ઉમેદવારોને ચોમાસા પછી શારીરિક પરીક્ષા પહેલા અરજી કરવાની તક મળશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યુ કે રાજ્યમાં પોલીસ વિભાગના ૧૨૪૭૩ પદ પર ભરતી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ૧.૫૫ લાખ અરજીઓ આવી છે. ભરતી બોર્ડના ચેરમેને કહ્યું કે જો આ ઝડપે ફોર્મ ભરાય તો ૭.૫ લાખ અરજીઓ આવી શકે છે. તેમણે કહ્યું કે આશરે ૧૦ લાખ જેટલી અરજી થવી જોઈએ. હસમુખ પટેલે ઉમેદવારોને વહેલી તકે અરજી કરવાની પણ વિનંતી કરી હતી.

હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પરથી મદદ માંગી શકે છે.
આ હેલ્પલાઈન નંબર ૮૧૬૦૮ ૮૦૩૩૧, ૮૧૬૦૮ ૫૩૮૭૭ છે. જો તમે પણ પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો ઓજસ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.