Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં ધો ૯ અને ૧૦ના વર્ગો શરૂ થશે

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરી શકશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા આગામી સત્રથી શહેરના તમામ ૭ ઝોનમાં ૭ મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ ૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવામાં આવશે. હવે, ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ ૧થી ૮ને બદલે ૧૦ સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે.

ધોરણ ૮ બાદ વધી રહેલા ડ્રોપ આઉટ રેશિયો ને ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. Classes for Std 9 and 10 will start in Ahmedabad Municipal Schools

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં વિનામૂલ્યે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરી શકશે. રાજ્ય સ્કૂલ બોર્ડ તરફથી આ અંગે પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં ૪૦૦થી વધુ ધોરણ ૧થી ૮ સુધીની સ્કૂલો ચાલી રહી છે. જોકે, આગામી સમયમાં સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાલવાટિકાથી ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલોમાં હાલમાં ધોરણ ૮ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ૪૦૦ શાળામાં ધો ૧થી ૮માં અંદાજિત ૧.૭૦ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જયારે માત્ર ધોરણ ૮ માં ૧૮ હજાર બાળકો અભ્યાસ કરે છે.

પરંતુ હાલ ૭ ઝોનમાં જ મંજૂરી મળી હોવાથી તમામ ૧૮ હજાર બાળકોને ધો-૯ નો લાભ મળવો મુશ્કેલ છે. હાલ, પ્રાથમિક મંજૂરી મળી છે તેથી શાળા દીઠ વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે કહી પણ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ બાબત ચોક્કસ કહી શકાય કે, ધો. ૮ બાદ બાળકોને ખાનગી સ્કૂલોમાં મોટી ફી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં નજીવી ફી ભરીને અભ્યાસ કરવો પડતો હતો.

પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલ બોર્ડ માઘ્‌યમિકના વર્ગો શરૂ કરવા જઇ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને અભ્યાસ કરવો નહીં પડે તેમજ પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.