દર્શન સોલંકી આપઘાત કેસમાં ઉશ્કેરણી કરવા બદલ ક્લાસમેટની ધરપકડ
મુંબઈ, ગયા ફેબ્રુઆરી મહિનામાં IIT-મુંબઈમાં દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. આ કેસની તપાસ સિટી ક્રાઈમ બ્રાંચ કરી હતી. ત્યારે સિટી ક્રાઈમ બ્રાંચે રવિવારે આ આપઘાત કેસમાં તેના ક્લાસમેટ ૧૯ વર્ષીય અરમાન ખત્રીની આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ધરપકડ કરી છે.
દર્શન સોલંકીના આપઘાત કેસમાં મળેલી સુસાઈડ નોટમાં કથિત રીતે અરમાન ખત્રીનું નામ હતું. દર્શન સોલંકીએ હોસ્ટેલની બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિય ઈન્વેસ્ટિગેશન ટીમને આપઘાતના લગભગ એક મહિના બાદ હોસ્ટેલના રુમમાંથી સુસાઈડ નોટ મળી હતી. આ ઘટના સેમેસ્ટરની પરીક્ષા પૂરી થયાના એક દિવસ બાદ એટલે કે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ બની હતી.
ક્રાઈમ બ્રાંચના એક સિનિયર ઓફિસરે જણાવ્યું કે, મૃત્યુના એક અઠવાડિયા પહેલાં કેમિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ કથિત રીતે અરમાન ખત્રી વિરુદ્ધ સાંપ્રદાયિક ટિપ્પણી કરી હતી. એ પછી અરમાન ખત્રીએ પેપર કટરથી તેને ધમકી આપી હતી. બાદમાં દર્શન સોલંકીએ અરમાનની માફી માગી હતી અને બંનેએ એકબીજાને ગળે પણ લગાવ્યા બાદ સમાધાન થયુ હતુ.
તેમના કેટલાંક મિત્રોએ દર્શન સોલંકીને ખત્રીની માફી માગતા પણ જાેયા હતા. દર્શન સોલંકી અને અરમાન ખત્રી બંને હોસ્ટેલના એક જ માળ પર રહેતાં હતા.
ગયા અઠવાડિયે સુસાઈડ નોટ મળી આવ્યા બાદ અરમાન ખત્રી હોસ્ટેલ છોડીને વિલે પાર્લેમાં રહેતા તેના માતા પિતા સાથે રહેવા માટે જતો રહ્યો હતો. રવિવારે સવારે પોલીસે તેની ધરપકડ કરી હતી અને કાલા ઘોડા નજીક આવેલી હોલિડે કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. એ પછી કોર્ટે તેને ચાર દિવસ માટે જ્યુડિશિયલી કસ્ટડી માટે મોકલી આપ્યો હતો.
એક સિનિયર ઓફિસર કે જેઓ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો ભાગ છે તેઓએ જણાવ્યું કે, અમે અરમાન ખત્રીની પૂછપરછ કરી અને અમારી પાસે રહેલાં પુરાવાઓથી અમને ખાતરી થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે બંને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ટેક્સ મેસેજીસ પણ કબજે કર્યા છે. આ કેસની શરુઆતમાં પવઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આત્મહત્યાથી મોત પર આઈઆઈટી મુંબઈ દ્વારા કથળી રહેલાં શૈક્ષણિક પ્રદર્શન અને તેના અંતર્મુખી સ્વભાવના ટાંકીને એક વચગાળાના રિપોર્ટમાં તેમના પરિવારના આક્ષેપ મુજબ જાતિ આધારિત ભેદભાવને નકારી કાઢવામાં આવ્યો હતો. પરંતુ દર્શન સોલંકીના પરિવારે કથિત રીતે ષડયંત્ર અને તેના ક્લાસમેટ દ્વારા જાતિય ભેદભાવ કરવાના આક્ષેપ કર્યો હતો.
જે બાદ આ કેસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગઈ ત્રીજી માર્ચના રોજ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે દર્શન સોલંકીના હોસ્ટેલના રુમમાંથી સુસાઈડ નોટ મળી હોવાનો દાવો કર્યો.
આ સુસાઈડ નોટમાં એક ક્લાસમેટનું નામ હતું. એ પછી એસઆઈટીએ ગયા અઠવાડિયે એક અજાણ્યા શખસ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાની અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, ૧૯૮૯ હેઠળ ફરિયાદ નોંધી હતી.SS1MS