આર્યન ખાનને ક્લીન ચીટ: ડ્રગ્સ કેસનું પ્રકરણ બંધ થઈ ગયું
NCBનું કોર્ટમાં નિવેદન અને આર્યન ખાનને ક્લીન ચીટ આપવાનો મતલબ એવો છે કે તે આ મામલે દોષી નથી
મુંબઈ, બોલિવૂડના કિંગ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ત્યારે ચર્ચામાં આવ્યો હતો કે જ્યારે ગત વર્ષે ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પણ, હવે એવા રાહતના સમાચાર આવ્યા છે કે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આર્યન ખાનને મુક્ત કરતા તેનો પાસપોર્ટ પરત કરવા અને રૂપિયા ૧ લાખનો બેલ (જામીન) બૉન્ડ કેન્સલ કરવાનો આદેશ આપ્યો હતો.
હવે આર્યન ખાનની લીગલ ટીમના વકીલ સંદીપ કપૂરે કહ્યું છે કે આ કેસ હવે બંધ થઈ ગયો છે અને આર્યન ખાન હવે સંપૂર્ણરીતે આઝાદ છે. તેમણે કહ્યું કે, આર્યન ખાનની જામીનની શરતોમાં એક શરત એવી પણ હતી કે ગ્રેટર મુંબઈની એનડીપીએસ કોર્ટના સ્પેશિયલ જજની પૂર્વ અનુમતિ વિના દેશ નહીં છોડી શકાય.
હવે બુધવારે એનસીબીના જવાબનો એવો મતલબ છે કે આર્યન ખાન માટે હવે આ પ્રકરણ બંધ થઈ ગયું છે. તેનો પાસપોર્ટ પરત કરવો અને બેલ (જામીન) બૉન્ડ કેન્સલ થવાનો મતલબ એ છે કે હવે આર્યન ખાન સંપૂર્ણ રીતે આઝાદ છે.
સીનિયર વકીલ અમિત દેસાઈએ એવું પણ કહ્યું કે એનસીબીનું કોર્ટમાં નિવેદન અને આર્યન ખાનને ક્લીન ચીટ આપવાનો મતલબ એવો છે કે તે આ મામલે દોષી નથી. તેમણે કહ્યું કે, આ ડિસ્ચાર્જ એપ્લિકેશન નથી પણ કેસથી ડિસ્ચાર્જ છે.
સ્પેશિયલ કોર્ટના જજ વીવી પાટિલે પોતાના આદેશમાં કહ્યું કે, આર્યન ખાન સહિત ૬ લોકો વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી કારણકે તપાસમાં તેઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. જેમ કે એનસીબીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કોઈ આપત્તિ જણાવી નથી માટે બેલ (જામીન) બૉન્ડ કેન્સલ કરવાની અનુમતિ આપવામાં આવે છે અને પાસપોર્ટ પરત આપવો જાેઈએ.
ગત વર્ષે શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. તેને પગલે ૩ ઓક્ટોબર, ૨૦૨૧માં તેની ધરપકડ પણ કરાઈ હતી અને આ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં તેને ૨૨ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ઘણા મહિના ચાલેલી આ કાયદાકીય લડાઈ પછી ગત મે મહિને એનસીબી (એનસીબી)એ તેને ક્લીનચીટ આપી દીધી હતી.
પુરાવાના અભાવે આર્યનને આ કેસમાં રાહત મળી હતી. તે પછી આર્યને સ્પેશિયલ કોર્ટમાં પાસપોર્ટ પાછો મેળવવા માટે અપીલ કરી હતી અને તેને લઈને બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે, કોર્ટે તેને પાસપોર્ટ પાછો આપવાનો આદેશ આપ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે, આર્યન ખાન હાલમાં એક સ્ક્રિપ્ટ લખવામાં બિઝી છે, કેમકે તે ફિલ્મ ડિરેક્શનમાં ઝંપલાવા ઈચ્છે છે. કહેવાઈ રહ્યું છે કે, તે એક ઓટીટી શોની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. કહેવાઈ તો એવું પણ રહ્યું છે કે, તેણે પોતાના પિતા શાહરૂખની આવી રહેલી ફિલ્મ ‘પઠાણ’માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.