સફાઈનું કથળેલું સ્તર સુધારવા સવારે ડેપ્યુટી કમિશનરોને રાઉન્ડ લેવા આદેશ
હવે અમદાવાદ થશે ચકાચકઃ તમામ ડેપ્યુટી કમિશ્નરને એક કલાક રાઉન્ડ લેવાના આદેશ-મ્યુનિસિપલ કમિશનરે વહેલી સવારના સાતથી આઠ વાગ્યા સુધી ડેપ્યુટી કમિશનરને રાઉન્ડ લેવા જણાવ્યું
અમદાવાદ, આપણા અમદાવાદની ગણના દેશનાં સ્માર્ટ સિટીમાં થાય છે, પરંતુ અમદાવાદીઓ માટે રખડતાં ઢોર ઉપરાંત ગંદકી એ કાયમી સમસ્યા બની છે. રખડતાં ઢોર સામે હાઈકોર્ટે લાલ આંખ કરતાં હવે ઢોર પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલી રહી છે.
સોમવારે વધુ ૧૫૭ ઢોર પકડાતાં લોકો રખડતાં ઢોરના ત્રાસ સામે રાહત પણ અનુભવી રહ્યા છે. આ કામગીરી હજુ આગળ ચાલતી રહેવાની છે, જાેકે ગંદકીના મામલે ખુદ મ્યુનિ.કમિશ્નર લોચન સહેરા એક્શનમાં આવ્યા છે. તેમણે તમામ ડેપ્યુટી કમિશ્નરોને સવારે એક કલાક ફરજિયાત પોતાના ઝોનમાં રાઉન્ડ લેવાની કડક તાકીદ કરતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.
અમદાવાદના સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન હેઠળ છેક ૨૦૧૬થી કેન્દ્ર સરકાર દ્વારા એક અથવા બીજા પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે, જાેકે સામાન્ય અમદાવાદીઓ સુપેરે એ બાબતથી પરિચિત છે કે આપણા અમદાવાદમાં સ્વચ્છતા આંખે ઊડીને વળગે તેવી નથી.
ડોર ટુ ડોરની કામગીરીનાં ધાંધિયા કહો કે પછી રસ્તાની સફાઈની અનિયમિતતાના કારણે ઠેર ઠેર વિખરાયેલો કચરો ગણો, ઊભરાયેલી સિલ્વર ટ્રોલી કે કચરાપેટી, ગંદાગોબરાં જાહેર ટોઈલેટ વગેરેને જાેતાં આપણું અમદાવાદ કેમ સ્વચ્છ થતું નથી તેવો પ્રશ્ન પણ લોકોના મનમાં થાય છે.
શહેરમાં સ્વચ્છતાનું ધોરણ સંતોષકારક નથી તે બાબત ખુદ મ્યુનિ.કમિ.લોચન સહેરાના ધ્યાનમાં આવી ચૂકી છે એટલે તાજેતરમાં કમિશ્નરે તમામ ડેપ્યુટી કમિશ્નરો સામે લાલ આંખ કરી છે. તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશ્નરોને પોતાના ઝોનમાં સવારના સાતથી આઠ વાગ્યા સુધી રાઉન્ડ લેવાનો કડક આદેશ આપ્યો છે.
અમદાવાદમાં સ્વચ્છતાનું સ્તર કથળી ગયું હોઈ તેને ઊંચુ લાવવા માટે આ તમામ ડેપ્યુટી કમિશ્નરો સવારે એક કલાક પોતાના વિસ્તારમાં રાઉન્ડ મારવો પડશે. સફાઈની કામગીરીમાં લાલિયાવાડી ચલાવનારા સામે ડેપ્યુટી કમિશ્નરોએ હવે કડકાઈથી કામ લેવું પડશે.
ખુદ મ્યુનિ.કમિશ્નરો લોચન સહેરા પણ મોર્નિગ રાઉન્ડ લઈ રહ્યા છે. જેના કારણે ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કચરાગાડીની નિયમિતતા તેમજ રસ્તાની સફાઈ વગેરે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાસે હોઈ સ્વાભાવિકપણે ગંદકી માટે આ વિભાગ સીધો જવાબદાર બને છે.
બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નર તેમનો મોર્નિગ રાઉન્ડ દરમિયાન ગંદકીના થર જાેવા મળે કે તરત જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર કાં તો સસ્પેન્ડ કરે છે અથવા તો શો-કોઝ નોટિસ ફટકારે છે.
સફાઈની કામગીરીમાં હોતી હૈ, ચલતી હૈ હવે નહીં ચલાવી લેવાય તેવો સ્પષ્ટ સંદેશ કમિશ્નરો પોતાના મોર્નિગ રાઉન્ડથી અધિકારીઓને આપી રહ્યા હોઈ તેમનામાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. હવે ડેપ્યુટી કમિશ્નરો પણ સવારે ઓફિસ પહોંચતા પહેલાં તેમના વિસ્તારનો એક કલાક માટે ફરજિયાત રાઉન્ડ લેવો પડશે.
જેના કારણે પણ કામ પ્રત્યે બેદરકાર અધિકારીઓમાં ભય ફેલાયો છે. હવે સામાન્ય લોકોના મનમાં પણ આશા જાગી છે કે આપણું અમદાવાદ ખરેખર સ્વચ્છ બનશે, કેમ કે મ્યુનિ.કમિશનર લોચન સહેરાએ સ્વચ્છતાના મામલે બાજી પોતાના હાથમાં લીધી છે.