મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં કલીનિકલ સ્ટાફને વહીવટી પ્રક્રિયામાંથી મુકત કરવામાં આવશે
સુપ્રિ.ના પીએ અને સ્ટુઅર્ડની જગ્યાઓ શિડયુલમાંથી કાયમી ધોરણે રદ કરવામાં આવશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અ.મ્યુ.કો. સંચાલિત હોસ્પિટલો ખાતે દૈનિક ૮૦૦૦ થી વધુ દર્દીઓની ઓ.પી.ડી. બેઈઝ ૨૦૦૦ જેટલા દર્દીઓની ઈન્ડોર સારવાર કરવામા આવે છે. આમ, દરરોજ દર્દીઓના સગાઓ સાથે આશરે ૨૫૦૦૦ થી ૧૦૦૦૦ લોકો અ.મ્યુ.કો. સંચાલિત હોસ્પિટલોની મુલાકાતે આવે છે.
અમદાવાદ શહેરના નિરંતર વિકાસને ધ્યાને લેતાં, છેલ્લા ૧૯ વર્ષમાં નવા એરિયામાં થયેલ વિકાસ અને વસ્તીને ધ્યાનમાં લેતા અને ભવિષ્યના માઈગ્રેશનને ધ્યાને લેતા આગામી વર્ષોમાં (૧) એલ જી જનરલ હોસ્પિટલ તથા (૨) શારદાબેન જનરલ હોસ્પિટલ આ બંને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર અત્યંત વધારો થવાની સંભાવના છે. આ બંને હોસ્પિટલોનાં લાંબા સમયથી ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ફરજો બજાવી રહેલ છે.
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની સીધી ભરતી માટેનાં પ્રયત્નો કરવામાં આવેલ છે. પરંતુ એમ.ડી. એમ.એસ. ની ઉચ્ચ તબીબી લાયકાત અને ૧૦ થી વધુ વર્ષોના કલીનિકલ અનુભવ બાદ વહીવટી કામગીરી કરવી તે તબીબોનો મુખ્ય અને રસનો વિષય નથી. તેથી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલ.જી. અને નગરી હોસ્પિટલમાં વહીવટી વિભાગ માટે આ કામના અનુભવી લોકોની નિમણુંક કરવામાં આવશે જયારે તબીબોને વહીવટી પ્રક્રિયામાંથી મુકત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિત હોસ્પિટલોની કામગીરીનો અભ્યાસ કરતા જણાય છે કે આ હોસ્પિટલોમાં ક્લીનીકલ મેનેજમેન્ટ માટે ડોક્ટરોની નિમણુંક કરવામાં આવે છે. તેમજ નોન ક્લીનીકલ મેનેજમેન્ટ માટે હોસ્પિટલ મેનેજમેન્ટની ડીગ્રી ધરાવતા કે આ ફીલ્ડનો બહોળો અનુભવ ધરાવતા અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે.
જેના કારણે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને ઉચ્ચત્તર ધોરણની સર્વિસ આપી શકાય છે. આમ ઝડપી નિર્ણય, પરિણામલક્ષી વહીવટ અને પ્રોફેશનલ એપ્રોચ માટે ક્લીનીકલ અને નોન ક્લીનીકલ એમ બે ભાગ પાડીને કામગીરી કરવામાં આવે તો તેના લીધે દર્દીઓને ઉત્તમ સેવાઓ આપી શકાય એમ છે. એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ ખાતે નવા હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાની કામગીરી પણ પ્રક્રિયામાં છે.
જે પુર્ણ થયા બાદ હાલ કરતાં પણ વધુ દર્દીઓ સારવાર સારૂ આવશે અને હોસ્પિટલોનાં પ્રોફેશનલ મેનેજમેન્ટની જરૂર જણાશે. આથી પ્રથમ તબક્કે અ.મ્યુ.કો. સંચાલિત (૧) એલ.જી જનરલ હોસ્પિટલ (૨) શારદાબેન જનરલ હોસ્પિટલ માટે આ પ્રકારની વહીવટી સુધારણા હાથ પરવામાં આવે તે હિતાવહ જણાય છે. હોસ્પિટલ મેનેજમેન્ટ એ સ્પેશીયલાઇઝડ કામગીરી હોઈ એલ.જી. હોસ્પિટલ અને
શારદાબેન હોસ્પિટલમાં નોન કલીનીકલ મેનેજમેન્ટ માટે “ડાયરેકટર” ની જગ્યા ખોલી આ જગ્યા પર અ.મ્યુ.કો.ના અધિકારીઓ પૈકી હોસ્પિટલ મેનેજમેન્ટની કામગીરીના ૩ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા અધિકારી કે જેઓ અ.મ્યુ.કો.ની કામગીરીથી પરિચિત હોઈ તેઓને હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવશે. તેમજ હોસ્પિટલ પર વધુ આર્થિક ભારણ ન થાય તે હેતુથી આ બંને હોસ્ટિપલોના શીડયુલ પર રહેલ સ્ટુઅર્ડ તથા પી.એ.ટુ. સુપ્રિટેન્ડેન્ટની જગ્યાઓ શીડયુલ પરથી કાયમી ધોરણે કમી કરવામાં આવશે.