કુલ્લુના મણિકર્ણ વેલીમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ
ભૂસ્ખલનની ઘટના બની ત્યારે રસ્તાની બાજુમાં સૂઈ રહેલી એક છોકરીનું મોત થઈ ગયું, અન્ય ૨ લોકો ઘાયલ
કુલ્લુ, હિમાચલપ્રદેશમાં ફરી એકવાર કુદરતી આફત આવી પડી છે. આ વખતે વરસાદના કારણે મોટી આફત આવી પડી છે. કુલ્લુના મણિકર્ણ વેલીમાં વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. વેલીના મલાણામાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, મળતી વિગતો પ્રમાણે અહીં ૧નું મોત થઈ ગયું હોવાની વિગતો મળી રહી છે. આ કુદરતી આફતના કારણે લગભગ ૮થી ૧૦ વાહનો તણાઈ ગયા છે.
શિમલાના ધાલીમાં મંગળવારે સાંજે ભારે વરસાદ નોંધાયો હતો જેમાં એક છોકરીનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય ૨ લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ભૂસ્ખલનની ઘટના બની ત્યારે છોકરી રસ્તાની બાજુમાં સૂતી હતી. ઘાયલ લોકોને સારવાર માટે નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક વાહનો કાટમાળ નીચે દટાયા હતા.
ઉત્તર ભારતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં શિમલા, સોલન, સિરમૌન, બિલાસપુર, હમીરપુર, મંડી અને ઉના જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે બાંધવામાં આવેલા ટેન્ટ અને કેમ્પ તથા ઘરો પાણીના પુષ્કળ પ્રવાહમાં તણાયા હતા.
કુલ્લુના એસપી ગુર્દેવ શર્માએ જણાવ્યું છે કે, વાદળ ફાટવાની ઘટના બન્યા પછી ૪ લોકો ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોમાં મંડીના સુંદરનગરના રોહિત કુમાર, રાજસ્થાનના પુસ્કરના કપિલ, ધરમશાલાના રાહુલ ચૌધરી અને કુલ્લુના અર્જુન નામના વ્યક્તિઓ ગુમ થયા છે. વાદળ ફાટવાની ઘટના પછી ત્રણ કેમ્પિંગ સાઈટ ધોવાઈ ગઈ છે જેમાં ગેસ્ટહાઉસ તથા ઘરોને નુકસાન થયું છે. ફિશ ફાર્મ અને પશુઓને રાખવાના વાડા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.
આ કુદરતી આફત પછી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, મલાણામાં પણ બચાવ ટીમ મોકલવામાં આવી છે કે જ્યાં ઘણું નુકસાન થયું છે. ગામ તરફ જતો પુલ પણ ધરાશાયી થઈ ગયો છે. ચોજ ગામ કે જ્યાં પૂરના પ્રવાહથી નુકસાન થયું છે, અહીં ઉભા કરવામાં આવેલા કેમ્પ પાણીમાં ધોવાઈ ગયા છે.
સૂત્રો જણાવે છે કે, કેમ્પ માટે આ સારી જગ્યા હોવાથી ચોજ ગામમાં પ્રવાસીઓ માટે ટેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં બનાવવામાં આવેલા કાફેને પણ ઘણું નુકસાન થયું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ પાર્વતી અને બિયાસ નદીમાં જળ સ્તર વધ્યું છે. નદીના તટ પર કે નજીકમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.SS2KP