CMના હસ્તે રાજકોટમાં ૧૧૨.૩૧ કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુહર્ત – લોકાર્પણ કરાયા
નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતુ કે, ૨૦૨૦નું વર્ષ કોરોના સામે યુદ્ધ સમાન હતું,
આ સમય દરમિયાન કોરોનાના સંક્ર્મણ ખાળવા અને કોરોનાની ઉત્કૃષ્ઠ સારવાર પૂરી પાડવા સમગ્ર તંત્રએ એકજુથ બની કામગીરી કરી છે. કોરોના જેવી આફતને અવસરમાં બદલવા, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ એંન્વાયર્મેન્ટ સહીત આરોગ્યના અનેક નવા આયામો સર કરાયા છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહયું હતુ કે, કોરોના કાળમાં પણ રાજ્યનો વિકાસ અવિરતપણે ચાલ્યો છે. છેલ્લા ૧૦ માસમાં આશરે ૨૦ હજાર કરોડના વિકાસ કામોના ખાતમુર્હત – લોકાર્પણ કરાયા છે, નવું વર્ષ પણ વિકાસની હરણફાળ ભરનારૂં બની રહેશે. તેવી નેમ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ તેવા અનેક પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળી છે. કચ્છમાં ૩૦ હજાર વોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, ભારતનો સૌથી મોટો રોપ-વે, કિસાન સૂર્યોદય યોજના, દરિયાઈ માર્ગે આવન-જાવન માટે રોપેક્ષ ફેરી, ભારતની પહેલી સી-પ્લેન સર્વિસ, એઇમ્સ સહિત વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની ધરા પર સાકાર થયેલ છે.
સરકારે કૃષિ, સિંચાઈ, શિક્ષણ, શહેરી વિકાસ સહિતના તમામ ક્ષેત્રોમાં અનેકવિધ યોજનાઓ બનાવી ‘‘સર્વે સુખીન ભવન્તુ’’ ના મંત્રને ચરિતાર્થ કર્યો છે.
શહેરોના વિકાસ અટકે નહીં તે માટે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦૦ ટી.પી. સ્કીમ અને ૪૦ ડી.પી. સ્કીમ બનાવી ઇતિહાસ સર્જ્યો છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતના શહેરો વિશ્વના શહેરોની બરોબરી કરી શકે તે માટે સરકાર અવિરત કાર્ય કરી રહી છે. પાણી, પર્યાવરણ અને પ્રકાશની સુવિધા સાથે આયોજનબધ્ધ શહેરોનો વિકાસ થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય ગુજરાતમાં થઈ રહ્યું છે.
રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ પાસુ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા હોઈ છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગૌ હત્યા, દારૂ બાંધી, લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક કાયદાઓ બનાવી તેના અમલીકરણની સાથે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવીને રાજયને શાંતિ અને સલામતીની સાથે સર્વાંગી વિકાસની નૂતન દિશા બતાવી છે.
ડિજિટલ ગુજરાત નેમ તળે, ૩૧ માર્ચ સુધીમાં ગુજરાતના ગામડાઓ ડિજિટલી કનેકટીવીટીથી જોડાઇ તેવું સુદ્ઢ આયોજન કરાયું છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ઓનલાઇન સરકારી સેવા-સુવિધાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાથ ધરાયેલ વિકાસલક્ષી કાર્યોની સાથે રાજકોટના અવિરત વિકાસ માટેના કામોની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, સિક્સ લેન, ફોર લેન રસ્તા, એઇમ્સ, મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, નવી જનાના હોસ્પિટલ સહિતના અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે, જે આવનારા દિવસોમાં રાજકોટને સર્વાંગી વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે.
નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે રાજકોટ શહેરમાં હાથ ધરાયેલા વિકાસ કામોના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુર્હતની વિગત આપતા હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની નીચે રાજ્ય સરકાર વિકાસના નવા આયામો સર કરી રહી છે.
એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ સહીત અનેક પ્રકલ્પોની ભેટ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને આપી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત વિકાસની ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને રાજય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલને સચિવશ્રી લોચન શહેરા, કલેકટરશ્રી રેમ્યા મોહન તથા મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરાયું.
આ પ્રસંગે સ્માર્ટસીટી રાજકોટના વિકામ કામો અંગેની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતુ. તેમજ બાંધકામ શ્રમિકો માટે કામના સ્થળે આવવા જવા માટે ૮૦ ટકા પરિવહન ખર્ચમાં રાહત આપવાની ખાસ યોજનાના લાભાર્થીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક કન્સેશન પાસ આપી આ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી, હાઉસિંગ વિભાગના સચિવશ્રી લોચન સહેરા, અગ્રણીઓશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કોર્પોરેટર, બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણીઓ અગ્રણી નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.