Western Times News

Gujarati News

વડાપ્રધાનએ સમાજ શકિતને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપી છે: મુખ્યમંત્રી

ગાંધીનગર માં આયોજિત અખિલ ભારતીય આંજણા  સમાજ મહાસભા માં મુખ્ય મંત્રી શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ 

 સામાજિક અને સાંસ્કૃતિક ઐકય વધુ પ્રબળ બનાવવા સૌ ના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ના મંત્ર થી આગળ વધીએ

ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું  હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજશક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની પ્રેરણા આપી છે. ગુજરાતની ધરતી પર આયોજિત અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભામાં સહભાગી બનેલા સર્વેને આવકારુ છું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાની આપણને હિમાયત કરી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભારતનું સામાજિક સાંસ્કૃતિક ઐક્ય વધુ પ્રબળ બને.વડાપ્રધાનશ્રીએ તો આપણી સનાતન ભાવના વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવારનો ધ્યેય ભારતને જી-ટ્વેન્ટીની પ્રેસિડેન્સી અપાવીને ચરિતાર્થ કરી છે.

તેમણે કહ્યું હતું કે, વિવિધતામાં એકતા જળવાય અને સૌ સાથે મળી વિકસિત રાષ્ટ્ર બનાવવાના કાર્યો કરીએ એવું તેમનું આહવાન છે. વડાપ્રધાનશ્રીના આ કોલને જીલીને ગુજરાત સરકારે ભારતના અન્ય રાજ્યોના લોકો ગુજરાત સાથેનો જુનો સંબંધ તાજો કરે તેવા આયોજનો કર્યા છે. આવતીકાલથી શરૂ થનાર સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ આનું ઉદાહરણ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના “એક ભારત, શ્રેષ્ઠ ભારતના’ કોલને સાકાર કરવા આજે સમગ્ર ભારતનો આંજણા ચૌધરી સમુદાય અહીં એક મંચ પર આવ્યો છે

શ્રી આંજણા ચૌધરી સમાજે દરેક ક્ષેત્રે ઉડીને આંખે વળગે એવી પ્રગતિ કરી. અર્બુદા માતાના વંશજો, આંજણા ચૌધરી સમાજના ભાઈ-બહેનોએ તો એમની સમાજશક્તિનો પરિચય દેશવિદેશમાં પણ આપ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આંજણા ચૌધરી તો ગ્રામ-સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો પુરૂષાર્થી સમાજ છે.આવી સમાજશક્તિને સરકારનું પ્રોત્સાહન અને સૌનો સહકાર મળે તો કેવી ઉન્નતિ થાય તેનું જીવંત ઉદાહરણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પુરૂ પાડ્યુ છે.સમાજ પોતાના સંતાનો ભણે-ગણે તેની દરકાર લેતો હોય, જે સમાજના લોકો “મેં નહીં હમ”ના મંત્ર સાથે વિકાસનું મંથન થતું હોય તે સમાજ એક સાચો પ્રગતિશીલ સમાજ છે.

આંજણા ચૌધરી સમાજનો ખેડૂત સિંહગર્જના કરનારો છે – જમીન ચીરીને અનાજ પેદા કરનારો જગતનો તાત છે, તેવું કહી જણાવ્યું હતું કે, સરકારી-ખાનગી નોકરીઓ-વેપાર અને શિક્ષણ ક્ષેત્રે આ સમાજના લોકોએ મોટી સફળતા મેળવી છે. પોતાની દિકરીઓ-વહુઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે ઉત્તર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે.આજે  આઇ.એ.એસ, આઇ.પી.એસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરી કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરિક્ષાની પૂર્વ તાલીમ પણ આંજણા મહાસભા આપે છે. એટલુ જ નહીં આર્થીક સહાય પણ પુરી પાડે છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ, ધીથી મહેંકતી ધરતી બની છે. બનાસકાંઠાના ચૌધરી પરિવારો-ધરતીપુત્રોએ બટાકાના ઉત્પાદનમાં વિશ્વવિક્રમ સર્જ્યો છે. આંજણા ચૌધરી સમાજના પશુપાલકો-કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી – બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે.

 

 

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનાં પદચિન્હો પર ચાલીને જ દરેક સમાજને સાથે રાખી, દરેક સમાજને સમાન અવસરો પૂરા પાડી, દરેક સમાજની સર્વાંગી વિકાસયાત્રાને આગળ વધારવા આપણે પ્રતિબદ્ધ છીએ.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એ આ પ્રસંગે ભારતભરમાંથી ઉપસ્થિત સમાજના આગેવાનોને આવકારતાં કહ્યું હતું કે, સમાજ- દેશના હિત માટે તમામે એક સાથે, એક મંચ પર આવવું જરૂરી છે. ચૌધરી સમાજના વિવિધ સંમેલનોમાં પણ આ પ્રકારની હકારાત્મક પહેલ થવી જરૂરી છે. સમાજ અને દેશના વિકાસમાં આપણું વધુને વધુ ભૂમિકા નક્કી કરવી પડશે. સૌથી નાની જ્ઞાતિ તરીકે આપણે વધુને વધુ પ્રગતિ કરવા જ્ઞાન- શિક્ષણ,વ્યસન મુક્તિ અને તાલીમ – કૌશલ્યનો માર્ગ અપનાવવા  પણ સૌને અનુરોધ કર્યો હતો. અધ્યક્ષશ્રી આ પ્રસંગે મહાસભાના મુખ્ય આયોજક અને શેઠ શ્રી હરિભાઈ ચૌધરીએ સમાજના હિત માટે આપેલા પ્રદાનને બિરદાવી તેમણે 75મા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના માર્ગદર્શક અને સંરક્ષક તેમજ શિકારપુરના પૂજ્ય મહંત શ્રી શ્રી 108 શ્રી દયારામજી મહારાજે આ પ્રસંગે સૌને આર્શીવચન આપી સમાજના વિકાસ થકી  દેશની પ્રગતિમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપવા અનુરોધ કર્યો હતો.

સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજે આ પ્રસંગે સમાજના ભાઈ -બહેનોને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે આજે હું

ચૌધરી સમાજની ભૂતી અને વિભૂતિઓના દર્શન કરવા આવ્યો છું.ચૌધરી સમાજની 50 વર્ષની પ્રગતિને ખૂબ નજીકથી નિહાળી છે.છેલ્લા 50 વર્ષની પ્રગતિનો હું સાક્ષી રહ્યો છે.આજે ચૌધરી સમાજ ગુજરાત અને ભારતની પ્રગતિ- વિકાસમાં ખૂબ મોટું પ્રદાન આપી રહ્યો છે. ન્યાય- નીતિ દ્વારા સમાજ આર્થિક અને સામાજિક પ્રગતિ તેવા આર્શિવચન આપ્યા હતા.

સ્વામીજી એ આ પ્રસંગે મુખ્ય દાતા શેઠ શ્રી હરિભાઈ ચૌધરીએ સમાજના વિકાસ માટે આપેલા પ્રદાનને બિરદાવી સ્વસ્થ્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઉદયલાલ આંજણા  તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને સાંસદ શ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે 9મા અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના મુખ્ય આયોજક- દાતા શેઠ શ્રી હરિભાઈ ચૌધરીની 75મી જન્મ જયંતી નિમિત્તે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાસભા વતી  ‘સમાજ રત્ન’ એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સહિતના ચૌધરી સમાજના પ્રતિષ્ઠિત સાહિત્યકાર- લેખકો , પત્રકારો દ્વારા વિવિધ વિષયો પર લેખિત 7,500 જેટલા પુસ્તકો રાજ્યભરના વિવિધ ગામોમાં કાર્યરત ચૌધરી સમાજની લાયબ્રેરીમાં મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે

ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર અને પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના અધ્યક્ષ શ્રી વિરજીભાઈ ઝુંડાલે પ્રથમવાર ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત  મહા અધિવેશનમાં સ્વાગત પ્રવચન કરીને મહા અધિવેશનનો ઉદ્દેશ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.મહાસભાના મહામંત્રી શ્રી જોગરામ ચૌધરીએ આભારવિધિ કરી હતી.

9 મા અખિલ ભારતીય આંજણા સમાજ મહા અધિવેશનમાં પૂર્વ  કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, રાજસ્થાનના સાંસદ શ્રી દેવજીભાઈ ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમીલાબેન દેસાઈ, શ્રી અમિતભાઈ ચૌધરી, શ્રી પરથીભાઈ પટેલ  શ્રી નાથાભાઈ પટેલ, શ્રી શિવાભાઈ ભુરીયા,દૂઘ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી,પૂજ્ય વંદનીય શ્રી ભગવતી બાઈજી, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી સહિત ભારતભરના 12 રાજ્યોમાંથી મહાસભાના ઉપ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, હોદેદારો તેમજ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ,અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, ભાઈઓ -બહનો સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.