Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેે થલતેજ ગુરુદ્વારાની લંગર સેવામાં ભોજન પીરસ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસની અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા

રાષ્ટ્ર અને ધર્મરક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં ૨૦૨૨થી ૨૬ ડિસેમ્બરે વીર બાલ દિવસની ઉજવણી થાય છે

રાષ્ટ્ર પ્રથમનો ભાવ બાળકો-યુવાઓમાં જાગૃત કરતો દિવસ વીર બાલ દિવસ છે :- મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે.

વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ, સાહસ અને સૌર્યને બિરદાવવા દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ વડાપ્રધાનશ્રીએ આ વર્ષથી વીર બાલ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવ પૂર્વક ગુરુ ગ્રંથ શાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. એટલું જ નહીં, થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.

આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી અમુલભાઇ ભટ્ટ, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે. ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.