NFSU અને RRU થકી સંરક્ષણ ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવામાં ગુજરાત અગ્રેસર : મુખ્યમંત્રી
ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની બહુઆયામી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં ભારતની સંરક્ષણ શક્તિ માટે વૈશ્વિક ફોરમની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં સુદૃઢ ડિફેન્સ ઇકોસિસ્ટમ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને આતંકવાદ વિરોધી, આંતરિક સુરક્ષા, સાયબર વોરફેર, લશ્કરી બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયોમાં શિક્ષણ આપવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે.
જેને રાજ્ય સરકારે સાકાર કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. દેશના યુવાનોને સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાપનમાં સમયસર શિક્ષણની તક પૂરી પાડવા માટે વડાપ્રધાનશ્રીએ 2009માં ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ બંને યુનિવર્સિટી હવે NFSU અને RRU છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, NFSU વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે કે જે ફોરેન્સિક બિહેવિયર, ડિજિટલ ફોરેન્સિક સંબંધિત વિજ્ઞાનને સમર્પિત છે. NFSU ખાતે બેલિસ્ટિક સંશોધન કેન્દ્ર અને પરીક્ષણ શ્રેણી અને બેલિસ્ટિક સામગ્રીઓ અથવા બેલિસ્ટિક સામગ્રીનું મૂલ્યાંકનનું તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તમામ આવૃત્તિમાં સંરક્ષણ કંપનીઓને તેમના ઉત્પાદનોના પ્રદર્શન માટે વિશેષ સંરક્ષણ પેવેલિયન રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
કેટલીક મુખ્ય સંરક્ષણ કંપનીઓએ તેમના સંરક્ષણ સાધનોનું પ્રદર્શન કરવાની તક લીધી પણ લીધી છે. ગુજરાતમાં એવા ઘણા એમએસએમઇ ઉદ્યોગો છે કે જે ભારતના સ્ટ્રેટેજીક એરોસ્પેસ અને ડિફેન્સ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ પાર્ટ્સ પૂરા પાડે છે. પ્રધાનમંત્રીશ્રીએ ડિફેન્સ એક્સપો દ્વારા ગુજરાતના MSME ને પોતાની ક્ષમતા બતાવવાની તક પણ આપી છે.
મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, ગુજરાત દેશનું સંવેદનશીલ રાજ્ય છે કારણ કે તે પડોશી દેશો સાથે જળ,જમીન અને હવાઈ સરહદોથી જોડાયેલું છે. રાજ્યના સરહદી વિસ્તાર બનાસકાંઠાના ડીસામાં 935 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એર ફિલ્ડથી પશ્ચિમ સરહદી વિસ્તારમાં જળ,જમીન અને હવાઈ કામગીરી અને અમદાવાદ તથા વડોદરા જેવા આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રોની સુરક્ષા વધુ મજબૂત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ 2016માં વિસ્તૃત એરોસ્પેસ અને ડિફેન્સ નીતિ શરૂ કરવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ માટે વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ રાજ્ય સરકારે ‘ડ્રોન પ્રમોશન એન્ડ યુઝ પોલિસી’ લાગુ પાડી છે. ‘ધ આત્મનિર્ભર સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા ઉદ્યોગોને આત્મનિર્ભરતાનો રાહ બતાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યએ દૂરંદેશી પહેલો અને સુધારાઓ અમલમાં મૂક્યા છે જેના પરિણામે છેલ્લા 20 વર્ષથી ગુજરાત ફાસ્ટ-ટ્રેક વિકાસમાં મોખરે છે. સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં ગુજરાતની ઉત્પાદન ક્ષમતા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને પ્રતિષ્ઠિત ડિફેન્સ એક્સ્પોની 12મી આવૃત્તિનું આયોજન કરવાની તક આપવા બદલ વડાપ્રધાનશ્રી અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને આ ડિફેન્સ એક્સ્પો થકી ભારત અને ગુજરાતની વિકાસ ગાથામાં સહભાગી થવા ઉદ્યોગ સાહસિકોને આહવાન કર્યું હતું. ડિફેન્સ એક્સ્પો-2022ના શુભારંભ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે મિશન ડેફસ્પેસ, બનાસકાંઠાના ડીસા ખાતે એરફોર્સના 52માં એરબેઝનું ભૂમિપૂજન સહિત અન્ય પહેલની પણ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ શ્રી અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ શ્રી ડૉ. અજયકુમાર, એર ચીફમાર્શલ શ્રી વિવેક રામ ચૌધરી, ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ શ્રી આર. એચ. કુમાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ શ્રી મનોજ પાંડે, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, સંરક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ તથા સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.