મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા
પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને જીવનમાં સુખાકારી વધે તેવી પ્રાર્થના: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
પ્રાકૃતિક રંગોથી ધુળેટી રમવા મુખ્યમંત્રીશ્રીએ કરી અપીલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે. આપણે સૌ એક સાથે મળી આપણી સંસ્કૃતિને સાથે લઈ હોળીના તહેવારની ઉજવણી કરીએ અને આવતીકાલે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી તેમણે અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખકારી વધે તેવી પ્રાર્થના કરી હતી.
વૈદિક હોળી મહોત્સવમાં એએમસી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, કોર્પોરેટરો તેમજ અનેક મહાનુભાવો તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.