દાદા પતંગ-દોરી અપાવોઃ પણ આ વાત જ્યારે મુખ્યમંત્રીનો પૌત્ર કરે ત્યારે….
પૌત્ર માટે ગાંધીનગરમાં પતંગ-દોરી ખરીદવા પહોંચી ગયા મુખ્યમંત્રી -સામાન્ય માનવીની જેમ રોડસાઈડમાં બેસતા ફેરિયા પાસેથી પતંગ-દોરી ખરીદતા મુખ્યમંત્રીને નિહાળી નાગરિકો દંગ રહી ગયાં
ગાંધીનગર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમની સાદગી અને સરળતા માટે જાણીતા છે. રાજયમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં તેમનામાં વીવીઆઈપી ગુણો શોધ્યાં જડતા નથી કે નથી સહેજ પણ અહંકાર, છે તો માત્ર સાલસતા, નિખાલસતા અને સાધુતા, જે ઠાંસોઠાંસ ભરેલી છે.
તેમનું આવુ નિર્મળ ચારિત્ર અનેકવાર સામે આવ્યું છે અને આવું ફરી એકવાર મંગળવારે સાંજે જોવા મળ્યું જયારે મુખ્યમંત્રી ગાંધીનગરના સેકટર-ર૪માં પૌત્ર માટે પતંગ ખરીદવા પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીને સામાન્ય માનવીની જેમ રસ્તા પરથી પતંગ ખરીદતા જોઈને રાહદારીઓ પણ અચરજમાં પડી ગયા હતા.
માનવી ભલે ગમે તેટલો મોટો હદ્દો મેળવી લે પણ પોતાના પૌત્ર-પૌત્રી માટે તો એક વ્હાલસોયા ‘દાદા’ જ હોય છે. મુખ્યમંત્રી પણએક સામાન્ય પરિવારના ‘દાદા’ પોતાના પૌત્રને પતંગ – ફીરકી અપાવવા બજારમાં પહોંચી જાય તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના સેકટર-ર૪માં આદર્શનગર પાસે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ પાસે બેસીને વેપાર કરતાં એક પાથરણાંવાળા ફેરિયા પાસેથી સામાન્ય માનવીની જેમ પોતાના પૌત્ર માટે પતંગ-દોરી ખરીદ્યા હતા.
હંમેશની જેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ સાદગી અને સાલસતા માટે ખરેખર સો સો સલામ પણ ઓછી પડે.