Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી વરસાદી સ્થિતિની સમીક્ષા કરી

( પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ-રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી.

તેમણે જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરે જેવી ત્વરિત કાર્યવાહીની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ ભારે વરસાદને પરિણામે ઓવરફ્લો થયેલ નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ સાથે સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવા જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત, હવામાન વિભાગે માછીમારોને દરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે તેના ચુસ્ત પાલન માટે દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લા કલેક્ટરશ્રીઓને ખાસ તાકીદ કરી હતી.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારને આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતના આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બનેલ આર્મી, એરફોર્સ, NDRF અને SDRF ની વિગતો પણ મેળવી હતી.

મુખ્યમંત્રીએ માર્ગ મરામત, આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી, વીજ પુરવઠો જેવી કામગીરી થકી જનજીવન સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લા અને શહેરોના વહિવટી તંત્ર દ્વારા પ્રવર્તમાન પરીસ્થિતીમાં કરવામાં આવી રહેલી ત્વરીત કામગીરીની સરાહના કરવા સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રહીને ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે આ વરસાદી આફતમાંથી પાર ઉતરવા માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.