મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં CREDAI ‘Change of Guard Ceremony – 2025’ યોજાઈ

ગાંધીનગર, તા. ૧૯ એપ્રીલ, ૨૦૨૫: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે CREDAIની ‘Change of Guard Ceremony – 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની વિશેષ બાબત એ રહી કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૉઇસ મેસેજ દ્વારા CREDAI Nationalના નવીન પ્રમુખ સહિત સમગ્ર ટીમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્ય વિકાસ અંગે CREDAI, NSDC અને QCI વચ્ચે MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ‘મારું અમદાવાદ’ પુસ્તક તથા ‘ગ્રીન બિલ્ડિંગ’ અહેવાલનું વિમોચન પણ આ અવસરે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે CREDAI નેશનલની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, “CREDAIનો આજનો અવસર ‘The Big Shift – For the Leaders, By the Leaders’ના કાર્યમંત્રને માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના દિશાદર્શનમાં સાકાર કરનારો અવસર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન સાથે ‘દરેકને ઘર’ આપવાના લક્ષ્યને CREDAI સાથે જોડાયેલા હજારો ડેવલપર્સ વેગ આપી રહ્યા છે.”
મુખ્યમંત્રીશ્રીએ CREDAIની નવી ટીમ વિશે આશા વ્યક્ત કરતાં કહ્યું કે આ ટીમ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વિન-વિન સિચ્યુએશન મુજબ કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને નવી દિશા અને ગતિ આપશે. તેમણે રાજ્ય સરકાર તરફથી તમામ જરૂરી સહયોગની ખાતરી પણ આપી હતી.
કાર્યક્રમમાં CREDAIના સભ્યો, રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. ‘ગ્રીન બિલ્ડિંગ’ અહેવાલ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ટકાઉ બાંધકામ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.