ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે મુખ્યમંત્રી દિવાળીનું પર્વ મનાવશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અનોખી પરિવાર ભાવના
રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ જુદાં-જુદાં નગરો-ગામોમાં પી.એમ.એ.વાય. લાભાર્થી પરિવારો દિવાળી ઉજવશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીના પર્વમાં અનોખી સંવેદનાસભર પરિવારભાવના વધુ એકવાર ઉજાગર કરી છે. ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે.
ગાંધીનગરની આ નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું ફેબ્રુઆરી-2024માં લોકાર્પણ થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પોતીકું આવાસ છત્ર આપવા આ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે.આવી પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતોમાં વસવાટ કરતા પરિવારો સાથે મળીને સૌહાર્દભાવથી રંગેચંગે ઉત્સવો-તહેવારોની ઉજવણી કરતા હોય છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આવા પરિવારોના સ્વજન તરીકે આ વર્ષની દિવાળીની ઉજવણી પી.એમ.એ.વાય. લાભાર્થીઓ સાથે કરવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.
ગાંધીનગરના સરગાસણની પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત “નમોનારાયણ રેસીડન્સી”ના પરિવારો સાથે દિવાળી ઉત્સવ ઉજવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 31 ઓક્ટોબરે સાંજે 7 કલાકે આ આવાસ યોજના વસાહતની મુલાકાતે જવાના છે.
મુખ્યમંત્રીશ્રી આ આવાસ વસાહતમાં દિપાવલી પર્વની ઉજવણીમાં પરિવારો સાથે સ્નેહમિલન દ્વારા નૂતન વર્ષ શુભેચ્છાઓ પણ પાઠવશે.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ રાજ્યના અન્ય શહેરો-ગામોમાં આવા પી.એમ.એ.વાય.ના લાભાર્થી પરિવારો સાથે દિપાવલી ઉત્સવમાં સહભાગી થવાના છે.
તદઅનુસાર, મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વલસાડના ભાગડાવાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણાના રંગપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જામનગરના બેડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, બલવંતસિંહ રાજપૂત પાટણના સિદ્ધપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલીના બાબરા તાલુકામાં ખાખરીયા,
કરીયાણા તથા કુવરગડમાં અને નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી તાલુકાના નાના મચીયાળામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહણ કાકભાઈમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગરના સંતરામપુર તાલુકાના બકટવાડામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે,
મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા રાજકોટના વાવડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી સર્વે શ્રી હર્ષભાઈ સંઘવી સુરતના પાલનપોરમાં, શ્રી મુકેશભાઈ પટેલ સુરતના વાંકલામાં તથા શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સુરતના નનસાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના બોપલમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર
અરવલ્લીના મોડાસા તાલુકાના ડવલીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી તાપીના વલોડ તાલુકાના કમાલછોડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ વડોદરાના સેવાસીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ ડાંગના સુબીર તાલુકાના નટકિયા હનવંતમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે,
નાયબ મુખ્ય દંડકશ્રી રમણસિંહ સોલંકી આણંદના જોલ અને ગનામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભડિયાડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે.