ઉદ્યોગ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી દેશ આજે વિશ્વની પાંચમી ઇકોનોમી બન્યો છે: મુખ્યમંત્રી
અમદાવાદ ખાતે Zee 24 કલાક દ્વારા આયોજિત મહાસન્માન ૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ (CM Gujarat at Mahasanman 2023 program organized by Zee 24)
ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જનારા સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સાથે જોડાયેલ ઉદ્યમીઓને એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
MSME થકી રાજ્યમાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થાય છે: મુખ્યમંત્રીશ્રી
MSME અને સ્ટાર્ટ અપ વિકસાવી ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય કરવું તો પ્રેમથી અને નૈતિકતાથી કરવું કારણકે પ્રેમ અને નૈતિકતાથી કરેલ કાર્ય લાંબા સમય સુધી ટકી રહે છે, જેથી પોતાને અને અન્ય લોકોને પણ પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે.
ગુજરાતના અહીં ઉપસ્થિત તમામ ઉદ્યોગ સાહસિકોએ પોત-પોતાના ઔદ્યોગિક ક્ષેત્રમાં જે ઉમદા કામગીરી કરી છે તેની અસર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળી રહી છે. તે ખૂબ ગર્વની બાબત છે તેમ તેઓએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના છેવાડાના ગુજરાતના છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે અથાક પ્રયત્નો કર્યા છે જેના ફળસ્વરૂપ દેશ આજે વિશ્વની પાંચમી ઇકોનોમી બન્યો છે. આ સાથેજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે વર્ષ ૨૦૨૭ સુધીમાં ૫ બિલિયન યુએસ ડોલર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર આજે નરેન્દ્રભાઈ મોદીના પદચિન્હો પર ચાલી નાના અને મોટા ઉદ્યોગોને આગળ વધારવા કટિબદ્ધ છે.
આ સાથે જ દેશમાં MSMEનો સૌથી મોટો ફાળો ગુજરાત માંથી જ છે જે આપણે સૌને જોવા મળી રહ્યું છે જેના થકી આજે રાજ્યમાં સૌથી વધુ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે. તેમ તેઓએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના MSME અને મોટા ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે 1500 કરોડ રૂપિયાનું બજેટ માત્ર ઉદ્યોગ ક્ષેત્રે ફાળવવામાં આવ્યું છે. જેથી રાજ્યના તમામ તાલુકાઓમાં ઉદ્યોગો સ્થપાય અને MSME ને નવું બળ આપી વિકસિત કરી શકાય તેમ તેઓએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઇલેક્ટ્રોનિક પોલીસી અને આઈટી પોલીસી બહાર પાડીને રાજ્યના અલગ અલગ ક્ષેત્રે વિકાસની ગતિને વેગ આપ્યો છે.
તેઓ વધુમાં જણાવ્યું હતું કે, Zee 24 કલાકે જે સામાજિક સ્તરે ઉદ્યોગ સાહસિકોને સન્માન આપવાની કામગીરી કરી છે તે સરાહનીય છે આ ઉમદા કાર્ય બદલ તેમને અને તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું તેમ જણાવ્યું હતું.
અંતે તેઓએ ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, Zee 24 કલાકના આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસીકોનું સન્માન થઈ રહ્યું છે એવામાં ઉદ્યોગ મંત્રી તરીકે મને ખૂબ જ આનંદ અનુભવાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત દિવસે ને દિવસે ઉદ્યોગ ક્ષેત્રે અવનવા કાર્ય કરીને વિશ્વસ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે જેનો શ્રેય આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવાથી ઉદ્યોગ ક્ષેત્રે લોકોનો અને રાજ્યનો ખૂબ જ વિકાસ થયો છે. સાથે જ ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં એક અનોખી જ્વાળા ઉદભવી છે. તેમ તેઓએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાના મોટા ઉદ્યોગકારોની સમસ્યાઓને દૂર કરવા અનેક યોજનાઓ પણ બહાર પાડી છે જેના થકી આજે MSME સેક્ટર અને અવનવા સ્ટાર્ટઅપ વિકસાવી ગુજરાત દેશ માટે રોલ મોડેલ બન્યું છે. ઉદ્યોગોનો વધુ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્કીલ યુનિવર્સિટીની પણ શરૂઆત કરવામાં આવી છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.
અંતે તેઓએ ઉદ્યોગ સાહસિકોને શુભેચ્છા પાઠવી હતી અને આ દિશામાં વધુ કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારા સભ્ય શ્રી રીટાબેન પટેલ અને Zee 24 કલાકના એડિટર શ્રી દીક્ષિત સોની ઉપસ્થિત રહ્યા હતા.