મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદા મૈયાના પાવન જળના વધામણાં
ગુજરાતનાં 11,951 ગામો અને 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ બન્યો છે, જ્યારે રાજસ્થાનનાં 1336 ગામડાં અને 3 શહેરને નર્મદા નદીનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં મંગળવારે કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા કેવડીયા કોલોની સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં વધામણાં કરાયા હતા. સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ 138.68 મીટર સપાટીએ ભરાયો હતો.
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફત 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.
ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના પાયા નંખાયાને આજે 62 વર્ષ પૂર્ણ થયાં છે. 5મી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો. આજે 62 વર્ષ બાદ નર્મદા ડેમ એની 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી બંધાઇ ચૂક્યો છે તથા ડેમની બાજુમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા બની ચૂકી છે.
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના હૃદયમાંથી નર્મદા ડેમનો અદભુત નજારો માણી શકાય છે. નર્મદા ડેમ આજે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી તથા ગુજરાતનાં 11,951 ગામો અને 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ બન્યો છે, જ્યારે રાજસ્થાનનાં 1336 ગામડાં અને 3 શહેરને પાણી પૂરું પાડે છે.