Western Times News

Gujarati News

મહાત્મા ગાંધીજીએ સમગ્ર દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો:-મુખ્યમંત્રી 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કર્યો : ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ના મંત્રથી  ખાદી ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે :મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે  પૂ.બાપુને શ્રદ્ધાસુમન સાથે પુષ્પાંજલિ અર્પી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી રહેવાના છે.

ભારતીયો માટે મહાત્મા ગાંધી વહાલા બાપુ તરીકે સૌના હૃદયમાં છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તેઓ સત્ય, સ્વચ્છતા, સત્યાગ્રહ સહિતના મંત્રોમાં સ્વચ્છતાના મંત્રને સર્વોપરિ ગણતા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી, કરોડો પરિવારોને શૌચાલયની સુવિધા મળે તે માટે સ્વચ્છ ભારત મિશન સફળ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

મહાત્મા ગાંધીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને તેમના જીવનમાં વણી લઈને ભારતના ઉત્થાન માટે નવી દિશા આપી હતી. ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને પ્રોત્સાહન આપવાં ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ને સાર્થક કરી, ગ્રામીણ કારીગરોને ટેકો આપી આત્મનિર્ભર ભારતને નવું બળ પૂરું પાડ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

સર્વધર્મ પ્રાથનાસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં કહ્યું કે મહાત્મા ગાંધીજીના વિચારો દેશ અને દુનિયાના લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. દુનિયામાં જ્યારે યુદ્ધ, સામ્યવાદ, સામ્રાજ્યવાદ અને મૂડીવાદ વ્યાપેલા હતા ત્યારે મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાની ક્રાન્તિએ સમગ્ર વિશ્વનું એ તરફ ધ્યાન ખેંચ્યું હતું. આપણી સંસ્કૃતિમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્ત્વ છે. વિચારશુદ્ધિ આચારશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના ઉપર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે કૃષિમંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું કે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગને અપનાવી આપણને સૌને કાયમી પ્રેરણા મળતી રહે તેવો સંદેશ આપ્યો છે. દુનિયાના ૧૩૩ દેશોએ મહાત્મા ગાંધીજી પર ટિકિટ બહાર પાડી છે એમ જણાવીને મંત્રીશ્રીએ ઉમેર્યુ કે મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ સામે લડત કરી હતી અને ભારતના આઝાદી સંગ્રામમાં અહિંસાના માર્ગની પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કીર્તિ મંદિર ખાતે સંગ્રહસ્થાનની મુલાકાત લઇ ખાદી ગ્રામ ઉદ્યોગને ગાંધી જયંતી નિમિત્તે પ્રોત્સાહન આપી, કીર્તિ મંદિર વિઝિટ બુકમાં નોંધ પણ કરી હતી. આ તકે યોજાયેલી પ્રાર્થના સભામાં ગાયક કલાકાર વૃંદોએ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ સહિતનાં ભજન-પ્રાર્થના પ્રસ્તુત કર્યાં હતી. પોરબંદર જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ મુખ્યમંત્રીશ્રીનું સૂતરની આંટી દ્વારા સ્વાગત કર્યું હતું.  ભાગવતાચાર્યશ્રી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પણ ગાંધીજીને પુષ્પાંજલી અપર્ણ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખિરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરા, પૂર્વ ધારાસભ્ય શ્રી કરસનભાઈ ઓડેદરા, સંગઠન પ્રભારી શ્રી મહેશભાઈ કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી સરજુભાઈ કારીયા, રેન્જ આઇ.જી. શ્રી નિલેશ જાજડિયા, કલેકટર શ્રી અશોક શર્મા, એસ.પી. શ્રી રવિમોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીનામા, સહિતના અધિકારીઓ-કર્મચારીઓ, કીર્તિ મંદિર સમિતિના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.