મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
(એજન્સી)ગાંધીનગર, સમગ્ર દેશમાં ૮મીથી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત ૪૦થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.
આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે.
શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં ૫૦ લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ ઉપર નાગરીકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યની એસ.ટી. બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે.
ચાર મહાનગરોમાં અંદાજે ૨ કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા/મેગા પરેડ યોજાશે. જેમાં સુરત અને અમદાવાદ ખાતે અંદાજે ૧ લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે ૫૦ થી ૭૦ હજાર નાગરીકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણિતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.