“તુરી સમાજનું બાળક રડતું હોય તો એના રડવામાં પણ રાગ હોય- આ કહેવત કલા પ્રત્યે તુરી બારોટ સમાજની સાધના દર્શાવે છે”

આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ સમાન છે, તેમાં ડૉ. બાબાસાહેબે સૌને એક, સંગઠિત અને શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
• તુરી બારોટ સમાજે એક તરફ કલા સાધના કરી છે તો બીજી તરફ ઘણા પરિવારોને ચોપડે રાખવાનું-ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ કર્યું છે
• આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબને આપેલી સાચી અંજલિ છે.
• વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પો સાકાર કરવા માટે પ્રતિબદ્ધ થવા આહ્વાન
અંધકારમય યુગમાં ડૉ. બાબાસાહેબે શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી, આજે કોઈપણ સમાજે પ્રગતિના પંથે આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય કોઈ આરો નથી :આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તુરી બારોટ સમાજના માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે તુરી બારોટ સમાજની મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબે આપેલા બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ આ વર્ષે થાય છે, એટલે એક અર્થમાં આ વર્ષની તેમની જયંતિ આપણા સૌ માટે વિશેષ અવસર છે. આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ ગણાય તેવું છે, તેમાં બાબાસાહેબે સૌને એક, સંગઠિત અને શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી વિકસિત ભારતની દિશા આપી છે. આજે ૧૩૪મી આંબેડકર જયંતિએ તુરી બારોટ સમાજ સેવા સંઘના આ આયોજનમાં પણ વડાપ્રધાનશ્રીનો મંત્ર સાકાર થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આજે અહીં માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો અને તુરી બારોટ સમાજના તેજસ્વી છાત્રોના સન્માનનો ત્રિવેણી સંગમ થયો છે. તુરી બારોટ જ્ઞાતિ તો પરંપરાગત કલા, સંસ્કૃતિના વારસાને જાળવવાનું કામ કરતી જ્ઞાતિ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતોનું ગૌરવ કરીને વિકાસનો મંત્ર ‘વિકાસ ભી વિરાસત ભી’થી આપ્યો છે. તૂરી બારોટ સમાજ તો પ્રાચીનકાળથી જ આવી સંગીત સહિત અનેક કલાવિદ્યાની વિરાસતનું ગૌરવ ધરાવે છે. એવી કહેવત છે કે તૂરી સમાજનું બાળક રડે તો પણ રાગમાં રડે. લોકજીવનમાં આવી કહેવતો સદીઓના અનુભવ પછી ઊતરતી હોય છે. આ કહેવત કલા પ્રત્યે તમારા સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
એક સમયે આપણે ત્યાં જ્યારે ટીવી, રેડિયો, સિનેમા જેવા આજના જમાનાના મનોરંજનના સાધનો ન હતા ત્યારે આ સમાજે લોકોને ભવાઈ અને ડાયરા દ્વારા લોક મનોરંજન પૂરું પાડ્યું છે. એક તરફ કલાસાધના કરી છે, તો બીજી તરફ સમાજના ઘણા પરિવારોએ ચોપડા, રેકર્ડ રાખવાનું-ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ કર્યું છે. તુરી બારોટ સમાજ પરંપરાને જાળવીને પ્રગતિના માર્ગે અગ્રેસર બન્યો છે. આજનો આ કાર્યક્રમ તેનું જીવંત ઉદાહરણ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ડાયરા તો ગુજરાતીઓ માટે મનોરંજન સાથે જનજાગૃત્તિનું ઉત્તમ માધ્યમ રહ્યા છે. ભીમ ડાયરો બાબાસાહેબની સ્મૃતિને એમના જીવનસંઘર્ષને એમણે આ દેશ માટે કરેલા બલિદાનને વંદન કરવાનો અવસર છે. બાબાસાહેબની વંદનાના આ આંબેડકર જયંતિના અવસરે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ એ જ બાબાસાહેબને આપેલી સાચી અંજલિ છે.
તેમણે ઉમેર્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પો સાકાર કરવા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. કેચ ધ રેઈન દ્વારા જળસંચય કરવા, એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવા, સ્વચ્છતા અને સ્વસ્થતા માટેના અભિયાનો તથા પ્રાકૃતિક ખેતી, વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અને યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવી રોગમુક્ત જીવનશૈલી માટેની હાકલ વડાપ્રધાનશ્રીએ કરી છે તેમજ દેશદર્શન દ્વારા પ્રવાસનને વેગ આપવા અને દેશના ભવ્ય વારસા પર ગૌરવ કરવાનો સંદેશો પણ તેમણે આપ્યો છે.
તુરી બારોટ સમાજ પરંપરાગત રીતે વારસા-વિરાસતનું ગૌરવ અને સંવર્ધનનું કાર્ય કરતો આવ્યો છે. લોકજાગૃતિના કાર્યો દ્વારા એક રીતે આ સમાજે રાષ્ટ્ર સેવામાં પણ યોગદાન આપ્યું છે. વિકસિત ભારત માટેના તમામ સંકલ્પો જનભાગીદારીથી પાર પાડવામાં અને વધુને વધુ લોકો સુધી આ સંકલ્પોનો સંદેશ પહોંચાડવામાં તુરી બારોટ સમાજ સક્રિય યોગદાન આપશે, એવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તુરી બારોટ સમાજ સંમેલન પ્રસંગે વિશેષ ઉપસ્થિત આરોગ્ય અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ કળિયુગના સમયમાં સંગઠન એ જ શક્તિ છે, આ સંગઠનની શક્તિ વિના કોઈપણ સમાજને વિકાસની હરણફાળ ભરવી હોય તો તે ખૂબ મુશ્કેલ છે. અંધકારમય યુગમાં ડૉ. બાબાસાહેબે શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી,
તેમ જણાવતા ઉમેર્યું હતું કે, કોઈ પણ સમાજે પ્રગતિના પંથે આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય કોઈ આરો નથી. શિક્ષણના માધ્યમથી આગળ વધો, સફળ બનો, પછી પાછા વળી સમાજના એ લોકોને સહાય ચોક્કસ કરો જેને આગળ વધવામાં તમારી મદદની જરૂર છે. આ સાથે જ તેમણે સમાજ દ્વારા આયોજિત માતૃપિતૃ વંદનાના સુંદર કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે, માતા પિતાનું મન દુભાવવું એટલે ભગવાનને નારાજ કરવા એમ સમજવું. સમાજમાં શિક્ષણ સાથે આવા આયોજનો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ રક્ષણ થાય તે ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે તુરી બારોટ સમાજના પ્રમુખ ડો. શૈલેશભાઈ તૂરીએ સ્વાગત પ્રવચનમાં સમાજનો વિસ્તૃત પરિચય આપતા જણાવ્યું હતું કે, તૂરી બારોટ સમાજ ખૂબ લાંબા સમયથી લોકોને ભવાઇ અને નાટક જેવા કાર્યક્રમો થકી મનોરંજન સાથે હાસ્ય લાવવાનું કામ કરે છે. તૂરી બારોટ સમાજ સેવા સંઘ છેલ્લા ૨૫ વર્ષોથી કાર્યરત છે, જેમાં સમાજના અંદાજે એક લાખ જેટલા લોકો જોડાયેલા છે. આ સમાજ દ્વારા ૬ જેટલા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સંગઠન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સંગઠનના પ્રદેશ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારૂ, તુરી બારોટ સમાજના પ્રમુખ ડો. શૈલેશભાઈ તુરી, પૂર્વ પ્રમુખ શ્રી આર.એમ.જાદવ, આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. અનિલભાઈ નાયક, ડો. હર્ષદભાઈ વૈદ, ડો. નિપુલભાઈ નાયક, ડો. હિમાંશુભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.