CNGના વધતા ભાવથી રિક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની
(એજન્સી)અમદાવાદ, દેશના સામાન્ય જનતા પર અત્યારે ચારેબાજુથી મોંઘવારીનો વાર થઈ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ, દવાઓ, શાકભાજી, દૂધ વગેરેના ભાવ તો વધ્યા જ હતા સાથે સાથે અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પાંચ રુપિયાનો તોતિંગ વધારો થતાં રિક્ષાચાલકોની સમસ્યા વધી છે અને હવે તેઓ ભાડામાં પણ વધારાની માંગણી કરી રહ્યા છે.
રિક્ષાચાલકોના અસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિતના અન્ય મંત્રીઓ અને અધિકારીઓને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. અસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે, રિક્ષાનું મિનિમમ ભાડું ૧૮ રુપિયાથી વધારીને ૩૦ રુપિયા કરવામાં આવે.
આ સિવાય તેમણે જણાવ્યું છે કે, જ્યાં સુધી રિક્ષાચાલકોની આ માંગને સ્વીકારવામાં નહીં આવે તેઓ ગ્રાહકો પાસેથી ઉચ્ચક ભાડું વસૂલશે. નોંધનીય છે કે અન્ય એક અસોસિએશન દ્વારા છ એપ્રિલના રોજ ભાવ વધારાને લઈને મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે.
સીએનજીના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે રિક્ષાચાલકોએ ભાવવધારાની માંગણી કરી હતી, જેથી સરકારે ભાડા વધારી આપ્યા હતા. પરંતુ ત્યારપછી પણ સીએનજીના ભાવમાં સતત વધારો ચાલુ જ રહ્યો હતો. અને હવે તો એક જ દિવસમાં ભાવમાં પાંચ રુપિયા વધારો થઈ જતાં રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.
આ પ્રકારે ભાવવધારો થતાં રિક્ષાચાલકોના વિવિધ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ઓટો રિક્ષાચાલક વેલફેર અસોસિએશનના પ્રમુખ જણાવે છે કે, રિક્ષાના ભાડામાં વધારો કરવા માટે અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા રિક્ષાના લઘુત્તમ ભાડામાં વધારાની જાહેરાત કરવામાં આવી ત્યારપછી તો અનેકવાર સીએનજીના ભાવમાં વધારો થયો છે.
અને હવે પહેલી એપ્રિલન રોજ એકાએક પાંચ રુપિયાનો વધારો થતાં રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. અત્યારે રિક્ષાનું મિનિમમ ભાડું ૧૮ છે જે વધારીને ૩૦ કરવાની માંગ કરવામાં આવી છે.