Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડકપની ભેટ અપાવનાર કોચ બકનને વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

(પ્રતિનિધિ) વલસાડ, એજ્યુકેશન ક્ષેત્રે અગ્રણી જૂની અને જાણીતી વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટ્‌સ ડે માં ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડકપની ભેટ અપાવનાર સફળ કોચ જાન બકનન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે ક્રિકેટમાં કેવી રીતે આગળ વધવું તે માટે વિદ્યાર્થીઓને ટીપ્સ આપી હતી.

વલસાડનાં અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ સ્પોર્ટ્‌સ ડે યોજાયો હતો. જેમાં લાંબી દોડ, લાંબી કુદ, રિલે દોડ, રિંગ દોડ, સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્‌સ ડે માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોનાં હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૯૯૯ થી ૨૦૦૭ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે અવિરત સફળતાના યુગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જ્હોન બકનન આ સ્પોર્ટ્‌સ ડે ના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તેમના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે ૨૦૦૩ અને ૨૦૦૭ માં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો. આઇપીએલની બીજી સિઝનમાં તેઓ કોલકત્તા નાઈટ રાઈડર્સના કોચ પણ રહ્યા હતા.

આ પ્રસંગે આપેલા વક્તવ્યમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી સાથે જ ક્રિકેટમાં આગળ વધવા માટે ચાર આધારસ્થંભોનું ધ્યાન રાખવા સલાહ આપી હતી. તેમણે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનું વિશાળ કેમ્પસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ સ્પોર્ટ્‌સ ડેના માઇક્રો મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી.અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માજી સૈનિક દેબાશીસ ગાંગુલીએ સ્પોર્ટ્‌સ ડે માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા.

તમામ વિદ્યાર્થીઓ એકથી એક ચઢિયાતા હોવાનું જણાવી સૌ એ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હોવાનું કહ્યું હતું. તેમણે અદભુત આયોજન કરવા બદલ સ્પોર્ટસ ટીચરોને ખૂબ અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.