દરિયામાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં કૉસ્ટ ગાર્ડની શ્રેષ્ઠ કામગીરી: રાજ્યપાલ
તટ રક્ષક દળના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી કે. આર. સુરેશની રાજ્યપાલશ્રી સાથે શુભેચ્છા મુલાકાત
ભારતીય તટરક્ષક દળ-ઇન્ડિયન કૉસ્ટ ગાર્ડના પશ્ચિમી સમુદ્ર તટની સુરક્ષા સંભાળતા એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી કે. આર. સુરેશે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રકાંઠાની સુરક્ષા માટે તથા દરિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ભારતીય તટરક્ષક દળ પ્રેરણાદાયી દેશ સેવા કરે છે.
એક નાગરિક તરીકે આથી ગર્વની અનુભૂતિ થાય છે. દરિયા કિનારેથી ડ્રગ્સ પકડીને કૉસ્ટ ગાર્ડે દેશના યુવાનોની મોટી સેવા કરી છે. સરાહનીય સેવાઓ માટે ‘રાષ્ટ્રપતિ તટરક્ષક પદક’ અને ‘તટરક્ષક પદક’થી સન્માનિત શ્રી કે. આર. સુરેશને તેમની જવલંત કારકિર્દી માટે રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી કે. આર. સુરેશે કહ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સીમા ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી પર ચુસ્ત નજર રાખી રહ્યું છે. માછીમારોની સુરક્ષા અને તેલ કે અન્ય પ્રદૂષણ પર પણ ચોકસાઈભરી નજર રાખવાનું કામ તટરક્ષક દળ ચોકસાઈપૂર્વક કરે છે. યુવાનો ઇન્ડિયન કૉસ્ટ ગાર્ડમાં કારકિર્દી બનાવવા આગળ આવે એ માટે પણ તેમણે તત્પરતા દર્શાવી હતી.