નારિયેળ તેલના ડબ્બાનો ભાવ રૂ. ૪૦૦૦: ત્રણ માસમાં જ રૂ.૭પ૦નો વધારો

ધાર્મિકોત્સવમાં વપરાશ વધવાની સાથે ક્લાઈમેટ ચેન્જથી ઉત્પાદનને અસર ભાવ વધારાના મુખ્ય કારણો
રાજકોટ, દેશમાં નારિયેળ અથાત્ શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાના પગલે નારિયેળ તેલ (કોકોનટ ઓઈલ)ના ભાવ જે પહેલેથી જ ઉંચી સપાટી પર રહ્યા છે તેમાં સતત વધારાના પગલે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે.
સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રતિ ૧પ કિલો ડબ્બાએ નારિયેળ તેલમાં વધુ રૂ.૧૦૦ના વધારા સાથે રૂ.૩૯૦૦-૩૯પ૦ના ભાવે સોદા પડ્યા હતા. માત્ર ત્રણ માસના સમયમાં જ નારિયેળ તેલના ભાવમાં પ્રતિ ૧પ કિલો ડબ્બાએ રૂ.૭પ૦નો વધારો નોંધાયો છે અને દેશમાં કિવન્ટલ સરેરાશ ભાવ રૂ.ર૬ હજારથી રૂ.ર૯ હજાર સુધીના છે.
ગુજરાતમાં માત્ર ર૭ હજાર હેકટરમાં નારિયેળનું વાવેતર થાય છે તેમાં વર્ષે રપ કરોડ નંગ ઉત્પાદન થાય છે જયારે કર્ણાટક- તમિલનાડુ બે રાજયમાં જ વર્ષે ૧ર૦૦ કરોડ જેવું અને કેરલમાં પપ૦ કરોડ નંગનું ઉત્પાદન સહિત દેશમાં કુલ વર્ષે આશરે રર૦૦ કરોડ નંગ નારિયેળનું ઉત્પાદન થાય છે.
નારિયેળ અને નારિયેળ તેલ મોંઘાદાટ થવાના મુખ્ય કારણોમાં કલાઈમેટ ચેન્જથી ઉત્પાદન પર પડેલી પ્રતિકુળ અસર ઉપરાંત ભારતમાં ધાર્મિકોત્સવમાં ખૂબ વધેલો વપરાશ કારણ ભૂત મનાય છે. ઉલ્લેખનીય છે કે શ્રીફળ એ દરેક પ્રકારની પૂજાવીધિમાં વપરાય છે.
સુકા નારિયેળની સાથે લીલા નારિયેળના ભાવમાં પણ સુધારો થયો છે. સૌથી વધુ નારિયેળ પકવતા તમિલનાડુમાં જાઓ તો પણ ત્યાં રૂ.૬૦-૭૦ના નંગ લેખે વેચાય છે અને ગુજરાતમાં પણ આ જ ઉંચા ભાવ હોય છે. નારિયેળમાં પણ હવે હાઈબ્રીડ નારિયેળ જેમાં મીઠાશ વધારે છે તેનું ઉત્પાદન સાઉથમાં થવા લાગ્યું છે.