શહેરમાં વધી રહ્યા છે શરદી-ઉધરસ અને તાવથી પીડાતા દર્દીઓ
અમદાવાદ, શહેરમાં શિયાળાની ઠંડી હવે બરાબર જામી છે. ઠંડા પવન ફૂંકાવાની સાથે ઠંડીનો અહેસાસ થતાં શહેરીજનોએ ગરમ કપડાં પહેરવાનું શરૂ કર્યું છે ત્યારે પહેલા એક સપ્તાહમાં ઉનાળા જેવા વાતાવરણ અને હવે ઠંડીના વાતાવરણમાં બીમારીએ પણ દસ્તક દીધી છે. વારંવાર બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુના અહેસાસ વચ્ચે લોકો તાવ, શરદી, ઉધરસથી પીડાઈ રહ્યા છે.
શહેરના આરોગ્ય કેન્દ્રો, ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ખાનગી દવાખાનાં અને શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. શહેરમાં પ્રથમ મિશ્ર ઋતુ અને હવે કડકડતી ઠંડીના લીધે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
એક તરફ કોરોનાનો પગપેસારો અને ઠંડીના કારણે શરદી, ઉધરસ અને તાવની બીમારી આવતાં ડરના માર્યા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા અને વેક્સિન લેવા પણ લાઈનો લગાવી રહ્યા છે. શહેરમાં ખાસ કરીને નાનાં બાળકો અને વડીલોમાં શરદી, ઉધરસના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે.
શહેરનાં પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, ખાનગી દવાખાનાં અને સરકારી હોસ્પિટલમાં આવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોઈ પ્રિસ્ક્રિપ્શન વિના દવા લેનારાની સંખ્યા પણ વધી છે. શહેરમાં ડબલ ઋતુ અને હાલ ઠંડીના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. ખાસ કરીને નાનાં બાળકોમાં બીમારીની શક્યતા વધારે છે. શિયાળામાં સૂકી ઉધરસ, તાવ તથા શરદીનું પ્રમાણ વધુ જાેવા મળે છે. મોટી વયના લોકોને હાડકાંના સાંધામાં દુઃખાવો થવા સહિતની બીમારીનું પ્રમાણ વધુ છે.
ઘણા લોકોને નાની નાની બીમારીમાં જાતે જ કોઈને કોઈ દવા લેવાની આદત હોય છે કે જેઓ મોટાભાગે ડોક્ટર પાસે જવાનું ટાળે છે, પરંતુ અત્યારે કોરોના ફેલાઈ રહ્યો હોવાના કારણે તાવ, શરદી કે ઉધરસ જેવું લાગે અને જરૂર પડે તો જાતે ડોક્ટર બન્યા વગર તબીબને બતાવીને જ દવા લેવી જાેઈએ તેવું ડોક્ટરોનું કહેવું છે.
સવારે અને સાંજે ગરમ કપડાં પહેર્યા વિના ઘર બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. બપોરે ગરમી લાગે તો પણ ઠંડા પીણાંથી દૂર રહેવું જરૂરી છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળવી કસરતો કરવી, પ્રાણાયામ કરવા અને યોગાસન કરી રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસ કરવા જાેઈે. આ ઉપરાંત લીલા શાકભાજી ખાવાં તેમજ નાનાં બાળકોને હળદર સાથે ધીમી આંચમાં ગરમ કરેલું દૂધ આપવું જાેઈએ.