નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુલાબી ઠંડીની શરૂઆત થશે
ગુજરાતમાં બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે
અમદાવાદ, રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી ક્યારે શરુ થશે, તેની રાહ જાેવાઇ રહી છે. હાલ તો સવારે ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતા ગરમી થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે. જાેકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, નવેમ્બરના પહેલા સપ્તાહથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થશે. ૩૧ ઓક્ટોબરે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. કાશ્મીર લેહ લદાખ પરથી પસાર થશે. જેના કારણે ૪-૫ નવેમ્બરથી ગુજરાતમાં હળવી ઠંડી શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં ૩૨થી ૩૭ ડીગ્રી સુધી તાપમાન જાેવા મળે છે, પરંતુ ૫ નવેમ્બરથી તાપમાન ૩૦ ડીગ્રી સુધી આવી જશે. એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો થશે. ધીમે-ધીમે ઠંડીની શરૂઆત થઈ જશે.
૫ નવેમ્બર બાદ વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી પસાર થવાની શકયતા છે. કારણે હવાના તમામ પરિબળો સાનુકૂળ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆતના કારણે ગુજરાતમાં શિયાળાની રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. ઠંડી આ વર્ષે ૧૦ દિવસ વહેલા શરૂ થઈ જવાનું અનુમાન છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર મહિનાની ૫મી તારીખ આસપાસ શરૂ થઈ જતા હોય છે. ૫થી ૨૦ નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ જાય છે. મોડામાં મોડી ૨૦ નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ જાય છે. ચાલુ વર્ષે વહેલી શરૂઆત થઈ જશે. હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩૦થી ૩૧ ઓક્ટોબરના પસાર થઈ જશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા શિયાળા દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થાય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને શિયાળા દરમિયાન ઉત્તર તરફથી પવન ગુજરાત તરફ આવે છે. ઠંડા અને સુકા પવન આવવાના કારણે તાપમાન ઘટે છે અને ઠંડીનો અનુભવ થાય છે.
શિયાળા દરમિયાન ઉત્તરના ભાગોમાં તાપમાન ઘટે છે અને હવામનું હળવું દબાણ થાય છે. જેના કારણે બરફ વર્ષ થાય છે. ઉત્તર તરફના સીધા પવન ગુજરાત તરફ આવે ત્યારે કડકડતી ઠંડી પડે છે. નવેમ્બરની શરૂઆતથી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે. જાેકે, ૧૦ દિવસ વહેલા ઠંડીની શરૂઆત થશે.