સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી: રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/cold-thandi-1024x683.jpg)
અમદાવાદ, બંગાળની ખાડી તરફથી ફૂંકાઈ રહેલા ભેજવાળા પવનો અને રાજ્ય પર સ્થિર થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાય વિસ્તારોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે અને અનેક સ્થળોએ વાદળછાયું વાતાવરણ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં સવારે ઠંડીમાં ઘટાડો નોંધાવા છતાં પણ ગઈ રાતથી ફૂંકાઈ રહેલા ઠંડાગાર બરફીલા પવનોના કારણે શહેરીજનોને ઠંડીથી ખાસ રાહત મળી નથી.
ગઈકાલે સવારે અમદાવાદ શહેરમાં ૧૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રી જેટલું ઓછું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદમાં ૧૨.૭ ડિગ્રી ઠંડી નોંધાતા અમદાવાદીઓની હાલત બગડી હતી. શહેરમાં ૨૬.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું અને આખો દિવસ ફૂંકાયેલા પવનોએ લોકોને પરેશાન કર્યા હતા.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડંખીલા ઠારથી વાતાવરણ સતત ઠંડુગાર બની રહ્યું છે. કચ્છના નલિયા શહેરમાં આજે ૮.૫ ડિગ્રી, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ૯.૮ ડિગ્રી સેÂલ્સયસ ઠડી નોંધાતા લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. કચ્છના જિલ્લા મથક ભૂજનું લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રીએ યથાવત રહેતાં શહેરીજનો ઠંડીના મારથી હેરાન થઈ ગયા છે. કચ્છના નલિયામાં સતત ૧૬મા દિવસે લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયુ છે.
ગઈ કાલ કરતાં મહત્તમ તાપમાન એક ડિગ્રી વધુ નોંધાવા છતાં પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં શિયાળો આ વખતે પોતાનો અસલી મિજાજ બતાવતો હોય તે રીતે ઠંડીમાં ખાસ રાહત મળી નથી. નલિયા અને ભૂજ જેવાં શહેરોમાં લોકોએ વહેલી સવારે અને સાંજે કામ વગર ઘર બહાર જવાનું ટાળ્યું છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો વાદળ હટતાં જ ફરી એક વખત શીતલહેરનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન નીચે સરકી જતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. રાજકોટ શહેરનું તાપમાન ફરી એક વખત સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે ગુરુવારથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં માવઠું થશે તેવી આગાગી પણ કરી છે.
ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાન પર પણ જોવા મળી રહી છે. તીવ્ર ઠાર અને કાતિલ પવનોના સૂસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તેમાં પણ શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ દિવસ એટલે કે ગુરુ, શુક્ર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છના કેટલાય છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સવારે જારી કરાયેલા વેધર રિપોર્ટ અનુસાર અમરેલીમાં ૯.૭ ડિગ્રી જેટલું નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. વડોદરામાં ૧૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૩.૪ ડિગ્રી, ડીસામાં ૧૩.૫ ડિગ્રી, દ્વારકામાં ૧૫.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી, કંડલામાં ૧૩.૯ ડિગ્રી, ઓખામાં ૧૭ ડિગ્રી, પોરબંદરમાં ૧૨.૨ ડિગ્રી, સુરતમાં ૧૫.૭ ડિગ્રી અને વેરાવળમાં ૧૪.૭ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.