આ બે રાજ્યોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચ્યું
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવે સ્થિતિ એવી છે કે પૂર્ણ થતાં અને નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત માટે આ બન્ને દિવસો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કર્યું છે. આવી સ્થિતિમાં ઉત્સવનો ઉત્સાહ મંદ થવાની પૂરેપૂરી સંભાવના છે.
આની સાથે સાથે હવામાન વિભાગે ચાર જાન્યુઆરીની રાત્રિથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં આશરે ચાર દિવસ સુધી વરસાદ પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ વણસે તેવી પૂરેપૂરી સંભાવના છે.
હવામાન વિભાગે જારી કરેલા અપડેટ્સ મુજબ ૩૦ ડિસેમ્બરની મોડી રાત્રિના કલાકો દરમિયાન હરિયાણા, પંજાબ અને ચંડીગઢના ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી અપેક્ષા છે. આ ગાળામાં રાજસ્થાનના અનેક ભાગોમાં આકરી ઠંડી પડે તેવી સંભાવના છે.
આઇએમડીએ ઠ પર લખ્યું છે કે ‘તાજેતરના સેટેલાઇટ ઇમેજિસમાં દક્ષિણ જમ્મુ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ અને દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ હિમાચલ પ્રદેશ,
દક્ષિણ ઉત્તરાખંડ, દક્ષિણ પશ્ચિમ બિહાર, પશ્ચિમ ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ ગુજરાતમાં ધુમ્મસનું સ્તર મળી આવ્યું છે.’હવામાન વિભાગે જણાવ્યું છે કે હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડીથી ગંભીર ઠંડીની સ્થિતિ જોવા મળી હતી અને ખૂબ ગાઢ ધુમ્મસ સર્જાઇ હતી. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જોવા મળ્યું હતું.
ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસથી ૧૨ ડિગ્રી સેલ્સિયસ, મધ્ય પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં ૧૨ ડિગ્રી સેલ્સિયસ અને ૧૮ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહેલીથી પાંચ જાન્યુઆરી સુધી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ કે હિમવર્ષાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ૩૧ ડિસેમ્બરે કોલ્ડવેવની ચેતવણી જારી કરાઇ છે.