કોલેજોના અધ્યાપક સહાયકોને હવે માસિક 52 હજાર મળશે
(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ૩૦% જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવેથી અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને માસિક ૫૨,૦૦૦ મળશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળવાપાત્ર થશે. રાજ્ય સરકારે ફિકસ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિકસ પગારમાં ૩૦ જેટલો પગાર વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી ચિત રાખવામા આવ્યા હતા.
આ અંગે અધ્યાપક મંડળ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામા આવેલ હતી. નાણાં વિભાગના તા. ૧૮-૧૦-૨૦૨૩ ના ઠરાવથી રાજય સરકાર દ્વારા વર્ગ ૩ અને ૪ ના આશરે ૬૧૬૫૦ જેટલા ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ૩૦ % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના તા.૨૨-૦૧-૨૪ ના ઠરાવથી રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા આશરે ૬૬૬૮ જેટલા શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.