કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત
(એજન્સી)રાજકોટ, છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હોવા એવા કિસ્સા સામે આવતા રહ્યા છે. ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક ઓફિસમાં તો ક્યારેક રસ્તામાં યુવકો ઢળી પડ્યા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખોરાકને યુવાનોમાં હાર્ટ અટેકના મુખ્ય કારણો પૈકીનું એક માનવામાં આવ્યું છે. તાજેતરમાં જ વધુ એક યુવાને હૃદયરોગના હુમલાના લીધે જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં અભ્યાસ કરતાં કલ્પેશ પ્રજાપતિ નામના ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેક આવતાં મોત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્પેશ પ્રજાપતિ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતો હતો. આર્કિટેક્ચરનું છેલ્લું વર્ષ કલ્પેશની જિંદગીનું અંતિમ વર્ષ બની ગયું હતું. મૂળ તાપી જિલ્લાનો કલ્પેશ રાજકોટમાં રહીને અભ્યાસ કરતો હતો. તે કોલેજમાં એકાએક ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત થયું હતું.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, કલ્પેશને મંગળવારે સાંજે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને એસિડિટી લાગતાં તેણે સોડા પીધી હતી. તેમ છતાં રાહત નહોતી થઈ. તેણે મિત્રોને છાતીમાં દુઃખાવાની જાણ કરતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાેકે, હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનો જીવ જીતો રહ્યો હતો. તેના મોતના સમાચારથી આખી કોલેજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કલ્પેશના મોતના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા.
આણંદમાં યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ
(એજન્સી)આણંદ, રાજ્યમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે. આણંદ જિલ્લાના ઓડ ગામ ગામે ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
બાથરૂમમાં સ્નાન કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાથરૂમમાં ઢળી પડ્યો હતો. પરિવારજનોએ યુવકને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું નામ જીલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે.