કેનેડાની કોલેજોએ સ્ટુડન્ટ માટે રહેવાની સગવડની ગેરંટી આપવી પડશે
નવી દિલ્હી, કેનેડામાં ભારતીયો સહિતના વિદેશી સ્ટુડન્ટની સંખ્યા સતત વધતી જાય છે અને આટલા બધા સ્ટુડન્ટ માટે રહેવાની જગ્યાની અછત છે.
આ પરિસ્થિતિમાં કેનેડાના ઓન્ટારિયો પ્રાંતે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે વિદેશી સ્ટુડન્ટને હાઉસિંગની વ્યવસ્થાની ગેરંટી આપ્યા પછી જ એડમિશન આપવાનું રહેશે. ઓન્ટારિયો એ કેનેડામાં સૌથી વધુ વસતી ધરાવતો પ્રોવિન્સ છે.
કેનેડામાં ભણતા કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા સ્ટુડન્ટ ઓન્ટારિયોમાં રહે છે. અહીંની કોલેજો અને યુનિવર્સિટીઓએ તમામ સ્ટુડન્ટ માટે રહેવાની વ્યવસ્થા હોવાની ગેરંટી આપવાની રહેશે. કેનેડાએ આ અઠવાડિયે વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર બે વર્ષ માટે લિમિટ મૂકી છે.
ત્યાર બાદ ઓન્ટારિયોની ઓથોરિટી તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. કામચલાઉ માઈગ્રન્ટ્સના કારણે કેનેડામાં મકાનોના ભાડા અને ભાવ અત્યંત વધી ગયા છે જેના કારણે સરકાર સામે રોષનું વાતાવરણ છે. હવેથી જે કોલેજો અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદેશી સ્ટુડન્ટ આવવાની શક્યતા હોય તેમણે હાઉસિંગનો પહેલેથી વિચાર કરવો પડશે.
તેથી તેમણે માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને હાઉસિંગની ગેરંટી આપવી પડશે. એટલે કે લેબર માર્કેટની સ્થિતિ પ્રમાણે હાઉસિંગનું કામ કરવાનું રહેશે. કેનેડાના કોલેજ અને યુનિવર્સિટી બાબતોના મંત્રી જિલ ડનલોપે જણાવ્યું કે, કેનેડામાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યામાં વધારો થયો હોવાથી એક ચેલેન્જ પેદા થઈ છે.
કેટલાક રિક્રુટર્સ દ્વારા લોકોને ખોટી માહિતી આપવામાં આવે છે, તેમને સિટિઝનશિપ અને પર્મેનન્ટ રેસિડન્સ અંગે ખોટા વચનો આપવામાં આવે છે. આ ઉપરાંત કેનેડામાં રોજગારી અંગે પણ ખોટી ખોટી વાતોથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
અહીં સ્ટુડન્ટ માટે આવાસની અછત છે અને તેને દૂર કરવા માટે સામૂહિક પ્રયાસ કરવા જરૂરી છે. ઓન્ટારિયો પ્રાંતમાં પબ્લિક અને પ્રાઈવેટ કોલેજો વચ્ચે નવી ભાગીદારી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. છેલ્લા એક દાયકામાં સ્ટુડન્ટની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવવા માટે આ પણ એક કારણ છે.
આવા ઘણા સ્ટુડન્ટ એજ્યુકેશનનો ઉપયોગ કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ અને છેલ્લે પીઆર મેળવવાનો પ્રયાસ કરે છે. ઓન્ટારિયોની જેમ કેનેડાના બીજા પ્રાંત પણ આવા જ પગલાં લે તેવી શક્યતા છે. ઉદાહરણ તરીકે બ્રિટિશ કોલંબિયા સરકાર પણ આગામી સપ્તાહમાં સ્ટુડન્ટ્સના હાઉસિંગ વિશે નવા નિયમો જાહેર કરી શકે છે.
કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પર વધારે આધાર રાખે છે કારણ કે તેઓ લોકલ સ્ટુડન્ટ કરતા લગભગ પાંચ ગણી વધારે ફી ભરે છે. આ રીતે સરકારી ફંડિંગને મદદ મળે છે. ઓન્ટારિયોએ છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડિયન સ્ટુડન્ટ પાસેથી વસુલવાપાત્ર ફી પણ ફ્રીઝ કરી દીધી છે. કેનેડા આવતા સ્ટુડન્ટને હાઉસિંગ ઉપરાંત જોબની તક વિશે પણ ઘણી ખોટી માહિતી આપવામાં આવે છે.
વાસ્તવમાં અહીં વ્હાઈટ કોલર જોબની અછત છે અને મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટ સીધે સીધા વ્હાઈટ કોલર જોબ કરી શકે તેવા ક્વોલિફાઈડ હોતા નથી. તેના કારણે તેમણે સખત શારિરીક શ્રમ કરવો પડે તેવી જોબ કરવી પડે છે. આવી જોબ પણ બહુ ઓછી છે અને તેના કારણે તેમના એજ્યુકેશન પર પણ અસર થાય છે.SS1MS