ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી
સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં નવરાત્રી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાઓમાં પરંપરાગત રીતે માતાજીની આરતી ઉતારીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.
શાળાનાં બાળકો, શિક્ષક ભાઇ-બહેનો સહિત એસ.એમ.સી. સભ્યો તેમજ વાલીજનો પણ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં. કેટલીક શાળાઓમાં બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરીને ગરબામાં આકર્ષણ જમાવ્યું હતું. શાળાઓનું વાતાવરણ માં અંબેની આરાધનાથી ભક્તિમય બન્યું હતું.
તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને નવરાત્રીની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.