ચૂંટણી પતી જાય પછી આવજોઃ પોલીસ તંત્રની કામગીરી ઠપ્પ
પોલીસ વેરીફિકેશન સર્ટીફિકેટ સહિતના કામ અટાવાયા
ચૂંટણીને કારણે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં હજારો અરજી પેન્ડીંગ
અમદાવાદ, ચારેય દિશામાં ચૂંટણીનો રંગ જામ્યો છે અને ઠેર-ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે તયારે તેમની સુરક્ષા કરવી તે પોલીસ માટે સૌથી મોટી જવાબદારી બની છે. નેતાઓની રેલી તેમ જ જાહેરસભા અને વીવીઆઈપી મૂવમેન્ટમાં પોલીસ વ્યસ્ત છે.
જેના કારણે પોલીસ સ્ટેશન ઠપ્પ થઈ ગયા છે. ચૂંટણી હોવાના કારણે પોલીસ સ્ટેશનમાં હજારો અરજી પેન્ડીંગ છે જ્યારે પોલીસ વેરિફિકેશન સર્ટીફિકેટ લેવાના કામ પણ અટવાઈ ગયા છે જ્યારે કોઈ અરજદાર પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે પોલીસ કર્મચારીનો એક જ જવાબ હોય છે કે ચૂંટણીમાં વ્યસ્ત છીએ એટલે સાત તારીખ પછી આવજો.
ઝઘડો, મારામારી, ચોરી સહિતના બનાવોમાં પોલીસની કામગીરી હાલ નામશેષ છે કારણ કે હાલ ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ૭ મેના રોજ છે. જેના કારણે પોલીસ સતત વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ તેમજ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના બાહુબલી નેતાઓ ગુજરાતમાં ઠેર-ઠેર સભા સંબોધી રહ્યા છે. જેના કારણે પોલીસ વ્યસત છે.
જાહેરસભા હોય ત્યારથી જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સી સ્થળ ઉપર આવી જતાં હોય છે. આ સાથે વીવીઆઈપી મૂવમેન્ટ હોય ત્યારે પોલીસ સતત તૈનાત હોય છે જ્યારે રોડ શો હોય ત્યારે પોલીસની હાજરી જરૂરી બની જાય છે. ચૂંટણી સંદર્ભે પોલીસ સતત એક્ટિવ છે. તેવામાં પોલીસ સ્ટેશનમાં કેટલાક કામ પર અસર પડી છે. વર્ષ ર૦૦રમાં થયેલા ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોના અનેક કેસો પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે
જેમાં એક કેસ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો હતો. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બોમ્બ બનાવવાનો કેસ નોંધાયો હતો જેમાં કિરીટ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કિરીટ સહિતના આરોપીને જામીન આપી દેવામાં આવ્યા હતા પરંતુ કેસ કોર્ટમાં ચાલુ છે.
આ કેસની મુદ્દત હોય ત્યારે તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવું પડતું હોય છે પરંતુ કિરીટ કોઈ કારણસર ગેરહાજર રહેતા તેની વિરૂદ્ધ વોરંટ ઈશ્યુ થયું હતું. પોલીસ કિરીટની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કોર્ટે તેના જામીન રદ કરીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.
કિરીટને જામીન મળે તે માટે તેની પત્ની ભાવનાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જો કે, કોર્ટે અરજી ફગાવી દીધી હતી. બાદમાં હાલ હાઈકોર્ટમાં જામીન અરજી કરવાની હોવાથી ભાવના પાસે વર્ષ ર૦૦રમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કોપી વકીલે માંગી હતી.
ભાવના પરમાર પાસે ફરિયાદની કોપી ન હોવાથી તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. ગઈકાલે ભાવના પરમાર તેની દીકરી લક્ષ્મી પરમાર સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈને મળવા માટે પહોંચી હતી જ્યાં પોલીસે પણ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે ૭ મે પછી આવવાનું કહ્યું હતું. પીઆઈએ ભાવનાને કહ્યું હતું કે, ચૂંટણી પછી આવજો. ફરિયાદની કોપી આપી દઈશું. પોલીસ ચૂંટણીને લઈને વ્યસ્ત છે જેના કારણે કેટલાક કામો અટવાઈ ગયા છે.