ગિફ્ટ IFSCથી શિપ લીઝિંગનો પ્રારંભ-પ્રથમ શિપ લીઝ થઈ
રિપ્લે શિપિંગ ઈન્ડિયાએ ગિફ્ટ આઈએફએસસીથી પ્રથમ વેસલ લીઝ કર્યું
ગાંધીનગર, રિપ્લે શિપિંગ ઇન્ડિયા આઈએફએસસી પ્રાઇવેટ લિમિટેડ (‘RSIIPL’), જેને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી)માંથી કામ કરવા માટે માર્ચ 2023માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) તરફથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું,
તેણે તાજેતરમાં તેના આઈએફએસસી યુનિટથી તેની પ્રથમ શિપ/જહાજની આયાત અને લીઝ કર્યું છે. એમવી રિપ્લે પ્રાઈડ એ બલ્ક કેરિયર (પેનામેક્સ) છે જેનું નિર્માણ 2003માં જાપાનમાં આશરે 76,858 DWT વહન ક્ષમતા સાથે કરવામાં આવ્યું હતું. જહાજની એકંદર લંબાઈ (LOA) 225 મીટર અને પહોળાઈ 32.26 મીટર છે. ગિફ્ટ આઈએફએસસી દ્વારા ક્લિયર કરાયેલું આ પ્રથમ શિપ/જહાજ છે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ શ્રી તપન રે એ જણાવ્યું હતું કે, ગિફ્ટ આઈએફએસસી તરફથી પ્રથમ જહાજનું સફળ લીઝ એ ભારતમાં જહાજ લીઝિંગ લેન્ડસ્કેપ માટે એક મહત્વપૂર્ણ સફળતાનું ઉદાહરણ છે. આ બાબત ભારતીય કિનારાઓથી મેરીટાઈમ સેક્ટરમાં વૃદ્ધિ અને રોકાણની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરે છે અને ગિફ્ટ સિટીને ભારતના જહાજ લીઝિંગ અને ધિરાણની તકોનો લાભ લેવા માંગતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન આપે છે.
રિપ્લે ગ્રૂપના પ્રમોટર અને સીઈઓ શૌમિક બોઝે જણાવ્યું હતું કે, અમને પ્રથમ જહાજ લીઝથી ગિફ્ટ આઈએફએસસીથી આ સફર શરૂ કરવામાં આનંદ થાય છે. અમે વેપાર-મૈત્રીપૂર્ણ નિયમો અને આઈએફએસસીએ દ્વારા રેડ કાર્પેટ સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, જેને સફલ સમિતિની ભલામણો દ્વારા યોગ્ય સમર્થન હતું.
સેઝ વિભાગ અને ગિફ્ટ સિટી સત્તાવાળાઓ તરફથી ઝડપી મંજૂરીઓના લીધે સમગ્ર વ્યવહાર સમયસર પૂર્ણ થઈ શક્યો છે. અમને આપવામાં આવેલ દરેક પ્રકારના સમર્થન માટે અમે ગિફ્ટ સેઝ અને આઈએફએસસીએના સત્તાવાળાઓ અને દરેકના આભારી છીએ. અમે અમારા ગિફ્ટ આઈએફએસસી યુનિટમાંથી વધુ શિપ/જહાજો લીઝ પર આપવા/ચાર્ટર્ડ કરવા માટે કામ કરી રહ્યા છીએ. રિપ્લે ગ્રુપ ભારત, યુએઈ અને સિંગાપોર સહિત વિશ્વના વિવિધ ભાગોમાં હાજરી ધરાવે છે.
દર વર્ષે ભારત વિદેશી શિપિંગ કંપનીઓને દરિયાઈ નૂર માટે લગભગ 75 અબજ યુએસ ડોલર ચૂકવે છે. ગિફ્ટ આઈએફએસસી તરફથી શિપ લીઝિંગ અને ફાઇનાન્સિંગ બિઝનેસના પ્રમોશન સાથે ભારત આવનાર સમયમાં આ સેગમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે.